Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

ટ્રોલિંગ બાદ શમીનો હુંકાર: ટ્વીટર પર એક શેર કર્યો ફોટો : લખ્યું મેદાનમાં વાપસી કરવા તૈયાર

શમી કિવી ટીમની સામે સારું પ્રદર્શન કરીને પોતાને જરૂરથી સાબિત કરવા માગશે

મુંબઈ : T-20 વર્લ્ડ કપની પ્રથમ પાકિસ્તાન અને ભારતની મેચમાં પાકિસ્તાનનો શાનદાર વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાના ફાસ્ટર મોહમ્મદ શમીનું પ્રદર્શન ખરાબ રહેતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. ભારતીય ટીમને પોતાની આગામી મેચમાં 31 ઓકટોબરની રાત્રે ન્યૂઝીલેન્ડ સામે છે અને આ મુકાબલામાં શમી પોતાની બોલિંગ દ્વારા ટીમને જીત અપાવવા માટે એકદમ તૈયાર છે.

મોહમ્મદ શમીએ ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે જસપ્રીત બુમરાહ અને યુવા બોલરોની સાથે નજરે પડી રહ્યો છે. શમીએ લખ્યું છે, મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર. શાનદાર ટ્રેનિંગ સેશન રહ્યું અને ઘણું સારું લાગ્યું યુવા ટેલેન્ટેડ ક્રિકેટર્સ સાથે વાતચીત કરીને. હવે ન્યૂઝીલેન્ડ સામેની આગામી મેચની રાહ છે. શમી કિવી ટીમની સામે સારું પ્રદર્શન કરીને પોતાને જરૂરથી સાબિત કરવા માગશે. ટીમ ઈન્ડિયાએ સેમી-ફાઇનલમા પહોંચવાની આશાને જીવંત રાખવા માટે કોઈપણ સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવવો પડશે.

ભારતીય ટીમ આજ સુધી ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી. બંને ટીમ ટી-20 વર્લ્ડ કપમાં અત્યારસુધીમાં બે વખત ટકરાઇ છે અને બંને વખત કિવી ટીમ જ જીતી છે. એવામાં વિરાટ કોહલીની સેનાએ બીજી વખત ટી-20 ચેમ્પિયન કહેવાની આશાઓને જાળવવા માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈતિહાસ રચવો પડશે. ICC ઇવેન્ટ્સમાં ભારતે ન્યૂઝીલેન્ડને છેલ્લી વખત વર્ષ 2003માં હરાવ્યું હતું.

(9:13 pm IST)