Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

શ્રીલંકાનો પ્રથમ ક્રિકેટર બન્યો

થિસારા પરેરાએ ૬ બોલમાં ૬ સિકસર ફટકારી

થિસારા પરેરાએ અંતિમ ઓવરમાં ઓફ સ્પિનર દિલ્હન કૂરેની ઓવરમાં છ બોલમાં છ સિકસર ફટકારી

કોલંબો, તા.૩૦: થિસારા પરેરાએ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. શ્રીલંકાના આ ઓલરાઉન્ડરે એક ઓવરમાં ૬ સિકસરનો રેકોર્ડ બનાવ્યો છે. થિસારા પરેરાએ લિસ્ટ-એ ટૂર્નામેન્ટમાં આર્મી સ્પોર્ટ્સ કલબ તરફથી ખેલતા આ રેકોર્ડ બનાવ્યો છે. જોકે આ મેચ ખરાબ રોશનની કારણે રદ કરવી પડી હતી. પરેરાએ જયારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે ફકત ૨૦ બોલ જ બચ્યા હતા.

થિસારા પરેરાએ અંતિમ ઓવરમાં ઓફ સ્પિનર દિલ્હન કૂરેની ઓવરમાં છ બોલમાં છ સિકસર ફટકારી હતી. ૬ સિકસરોની મદદથી પરેરાએ બ્લૂમફીલ્ડ કલબ સામે ૧૩ બોલમાં જ અડધી સદી ફટકારી હતી. તે ૧૩ બોલમાં ૫૨ રન બનાવી અણનમ રહ્યો હતો. ક્રિકેટના કોઇ ફોર્મેટમાં ૬ બોલમાં ૬ સિકસર ફટકારનાર થિસારા પરેરા શ્રીલંકાનો પ્રથમ બેટ્સમેન છે. શ્રીલંકા તરફથી બીજી ફાસ્ટેસ્ટ અડધી સદી પણ તેના નામે થઈ ગઈ છે. શ્રીલંકા તરફથી સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ કૌશલ્ય વીરારત્નેનો છે. તેણે ૨૦૦૫માં ૧૨ બોલમાં અડધી સદી ફટકારી હતી. દિલ્હન કૂરેએ ૪ ઓવરમાં ૭૩ રન આપી દીધા હતા.

આર્મી સ્પોર્ટ્સ કલબે પ્રથમ બેટિંગ કરતા ૪૧ ઓવરમાં ૩ વિકેટે ૩૧૮ રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચ ૫૦ ઓવરના બદલે ૪૧ ઓવરની કરવામાં આવી હતી. જવાબમાં બ્લૂમફીલ્ડે ૧૭ ઓવરમાં ૭૩ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ખરાબ રોશનની કારણે મેચ રદ કરવી પડી હતી.

થિસારા પરેરા પહેલા આ વર્ષે વેસ્ટ ઇન્ડીઝના કાયરન પોલાર્ડે એક ઓવરમાં ૬ સિકસર ફટકારી હતી. તેણે શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં આ સિદ્ઘી મેળવી હતી. પરેરા એક ઓવરમાં ૬ સિકસર ફટકારનાર દુનિયાનો નવમો ખેલાડી છે.

(10:48 am IST)