Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

લો બોલો : ટી-20માં ટાર્ગેટની ખબર વિના જ બાંગ્લાદેશના ઓપનરો મેદાનમાં ઉતર્યા : 9 બોલ ફેંકાયા બાદ લક્ષ્યાંક આવ્યો

વરસાદગ્રસ્ત મેચમાં ટાર્ગેટ અંગે અસમંજસની સ્થિતિ: ખેલાડીઓ 142 રન કરવાના સમજી મેદાનમાં ઉતર્યા :પાછળથી મેચ રેફરીએ પહેલાં 170 પછી 171 રનનો લક્ષ્યાંક મૂક્યો

નેપિયરઃ ન્યૂઝઈલેન્ડ અને પ્રવાસી બંગ્લાદેશ વચ્ચેની વરસાદથી પ્રભાવિત મેચમાં બાંગ્લાદેશનાં ઓપનર્સ જીતવા માટે મેદાનમાં ઉતર્યા તો તેમને જીતવા માટે ચોક્કસ કેટલા રન કરવાના છે, તેની ખબર જ હતી. એટલે કે તેમની પાસે રનચેઝ કરવાનો નિર્ધારિત ટાર્ગેટ નહતો.

 બાંગ્લાદેશે ટોસ જીતી ન્યૂઝીલેન્ડને બેટિંગની ઓફર કરી હતી. ક્વિઝ ખેલાડીઓએ 17.5 ઓવરમાં 5 વિકેટના નુકસાને 173 રન કર્યા ત્યારે વરસાદ શરુ થઇ ગયો અને રમત અટકાવવી પડી. પછી તેમની બેટિંગનો વારો ન આવ્યો અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 17.5 ઓવરમાં 5 વિકેટે 173 રન જ રહ્યો

વરસાદગ્રસ્ત મેચમાં ડકવર્થ લુઇસના નિયમ મુજબ ઓવરમાં કાપ મૂકી નવો ટાર્ગેટ આપવામાં આવે છે. પરંતુ આ મેચમાં જ્યારે બાંગ્લાદેશના ઓપનર્સ મેદાનમાં ઉતર્યા તો તેમને કેટલા રનનું લક્ષ્યાંક છે તે અંગે અસમંજસની  સ્થિતિ હતી. એવું લાગતું હતું કે બાંગ્લાદેશના ખેલાડીઓને 9 બોલ ફેંકાયા ત્યાં સુધી એવું હતું કે 16 ઓવરમાં મેચ જીતવા માટે તેમને 148 રન કરવાના છે.

જો કે ન્યૂઝીલેન્ડનો બોલર હેમિશ બેનેટ બાંગ્લાદેશની ઇનિંગની બીજી ઓવર ફેંકી રહ્યો હતો, ત્યારે તેણે 3 બોલ ફેંકી દીધા હતા અને ત્યારે જ બાંગ્લાદેશી બેટ્સમેનો સામે નવો ટાર્ગેટ આવી ગયો. મેચ રેફરી જેફ ક્રોને નવો ટાર્ગેટ સાઇન કરવો પડ્યો. જેમાં 1.3 ઓવરમાં આ લક્ષ્યાંકને 170 કરી દેવામાં આવ્યો હતો અને 13મી ઓવરમાં તેને એક રન વધારી પાછો 171 રન કરવામાં આવ્યો. એટલે કે બાંગ્લાદેશને મેચ જીતવા માટે 16 ઓવરમાં 171 રન કરવાના હતા.

દરમિયાનમાં બાંગ્લાદેશના કોચ રસેલ ડોમિંગો અને મેનેજર સબ્બીર ખાન બીજી ઓવરની શરુઆતમાં મેચ રેફરીના રુમમાં જોવા મળ્યા હતા. ત્યારે રેફરી જેફ અને ચોથા એમ્પાયર વચ્ચે વાતચીત થઇ હતી. જો કે બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં 7 વિકેટે 142 રન જ કરી શકી અને ન્યૂઝીલેન્ડે 28 રને મેચ જીતી લીધી. આ સાથે ક્વિઝે સીરિઝમાં 2-0ની સરસાઇ મેળવી લીધી છે. મેચમાં 31 બોલમાં 58 રન અને એક વિકેટ લેનારા ગ્લેન ફિલિપ્સ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો.

ચોક્કસ ટાર્ગેટ વિના બાંગ્લાદેશના ઓપનર્સે રમવાની શરુઆત તો કરી પરંતુ બીજી જ ઓવરમાં 13 રને તેની પ્રથમ વિકેટ પડી ગઇ હતી. જો કે ત્યાર બાદ સોમ્ય સરકાર (51) અને મોહમ્મદ નઇમ (38)બીજી વિકેટમાં 81 રનની ભાગીદારી કરી સ્કોર 94 રન પર પહોંચાડ્યો હતો. ત્યાં સુધી બાંગ્લાદેશના હાથમાં પણ બાજી હતી. પરંતુ ત્યાર બાદ ક્વિઝ બોલરોની બોલિંગ સામે બાંગ્લાદેશની વિકેટો સમયાંતર પડતા ન્યૂઝીલેન્ડની જીત પાકી થઇ હતી.

નઇમે 35 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 38 રન કર્યા હતા. જ્યારે સૌમ્ય સરકારે માત્ર 27 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી અર્ધ સદી કરી હતી.

(7:25 pm IST)