તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
કાલે જામનગરનાં સેવાભાવી નટુભાઇ ત્રિવેદીનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૯ :.. બેહુમુખી પ્રતિભા ધરાવતા આજીવન જનસેવક નટુભાઇ ત્રિવેદીનો કાલે ૮૦મો જન્મ દિવસ છે.
જન્મભૂમિ અને કર્મભૂમિ જામનગર છે તેવા નટુભાઇ ત્રિવેદીનો જન્મ તા. ૧૦-૧૦-૧૯૪પ ના થયો હતો. મહાત્મા ગાંધીજીએ જયાં એકડો ઘુટયો હતો તેવી રાજકોટ શ્રી પ્રતાપ કુવારબા પ્રાથમિક શાળા અને આલ્ફેડ હાઇસ્કુલ (હાલ : મહાત્મા ગાંધી વિદ્યાલય) માં માધ્યમિક શિક્ષણ લઇ આજીવન સેવાના ભાવ પ્રાપ્ત કરેલ હતાં. શ્રી સદ્્ગુરૂ શ્રી રણછોડદાસબાપુ તેમના જીવનની સેવા માટે પ્રેરણા મૂર્તિ છે.
૩૭ વર્ષ જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં વિવિધ સ્થાન પર નોકરી કરી હતી. યુનિયનના પ્રમુખપદે રહી કર્મચારીઓની પણ ઘણી જ ચાહના પ્રાપ્ત કરી હતી.
બાળ સાહિત્ય, નાટય પ્રવૃતિ, લેખન અને સમાજ સેવામાં ઉંડો રસ ધરાવતા નટુભાઇએ ટ્રાફીક સુરક્ષાની પ્રવૃત્તિઓમાં અડધી જીંદગી ખર્ચી નાખી છે.
પોલીસ વિભાગમાં પૂર્વ કમાન્ડર રોડ સેફટી પેટ્રોલ યુનિટ, જામનગરના પદ પર રહી કુલ ર,૦૦,૦૦૦ ને ટ્રાફીક શિક્ષણ આપી તે વય જૂથમાં નહિવત અકસ્માતે મૃત્યુના બનાવના શુભ પરિણામ મેળવેલ છે. જિલ્લા સલાહકાર સમિતિમાં બે ટર્મ રહી ટ્રાફિક સુરક્ષાના સૂચનો સ્વીકાર્ય બનતા અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ થયા છે. તેમણે ર૦૦ ન્યુ રીક્રુટ તાલીમાર્થી પોલીસોને ટ્રાફીક શિક્ષણ તાલીમ આપી છે.
ગંગામાતા ટ્રસ્ટ અને જામ મહાવીર હનુમાન મંદિર અન્નક્ષેત્રો ચલાવી માનવસેવા અને પર્યાવરણની ચિંતા કરેલ છે. શ્રી રણછોડદાસબાપુ આશ્રમ આંખની હોસ્પીટલમાં આંખના મોતીયાના દર્દીઓને મોકલી વિનામૂલ્યે નેત્રમણી બેસાડી ઓપરેશનના ૧૦૦૦ થી વધુ કેમ્પ યોજી ૧પ૧૧૧ જેટલા દર્દીઓને નવી દ્રષ્ટિ અપાવી તેઓના જીવન ધન્ય બનાવેલ છે.
સ્વ. વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ (રજીસ્ટર) સંસ્થાના પ્રમુખપદે ૧પ વર્ષથી સેવા પ્રવૃતિઓ કરી રહ્યા છે. અને ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી જામનગરની રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને. જી. ઓ. છે. ટ્રસ્ટના પ્રમુખ તરીકે રહેલા નટુભાઇએ જેલમાં અનેકવિધ માનવ સેવાની પ્રવૃતિઓ કરેલ છે.
કાલે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને સર્વરોગ નિદાન અને સારવારના મેગા કેમ્પ
સ્વ. વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદીના જન્મ દિન નિમિતે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, અને સર્વરોગ નિદાન અને સારવારના કેમ્પનું આયોજન કાલે તા. ૧૦ ને ગુરૂવારે મુખ્ય સ્વામિનારાયણ મંદિર, ખાદી ભંડાર સામે, બેડી ગેઇટ, જામનગર ખાતે સવારે ૯ થી ૧ર કરાયું છે. આ કેમ્પમાં આંખના મોતિયાના ઓપરેશનના દર્દીને તપાસી કેમ્પ પુરો થયે રાજકોટ શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં લઇ જવામાં આવશે. જયાં મફતમાં આંખમાં નેત્રમણી બેસાડી નદી દ્રષ્ટિ વિનામૂલ્યે આપવામાં આવશે. અન્ય દર્દીને દવા, ટીપાં, ચશ્મા વિગેરે આપવામાં આવશે.
દંતયજ્ઞમાં દાંતના નિષ્ણાંત ડોકટર રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે, ઓઝા દ્વારા તપાસ કરી સારવાર આપશે.
ડો. હિરાબેન જોષી સર્વરોગ માટે દર્દીને તપાસી દવાઓ મફતમાં આપવામાં આવશે. લાભ લેવા વી. વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદી (મો. ૯૯૯૮૦ ૯પર૧૦) દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
