News of Wednesday, 29th October 2025
આવતીકાલે રાજકોટના જનસેવક રાજુ જુંજાનો ૫૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ છેલ્લા ૩૧ વર્ષથી એડવર્ટાઈઝીંગના વ્યવસાય અને સામાજીક ક્ષેત્ર સાથે સંકળાયેલા રાજુભાઈ નોંધાભાઈ જુજાનો જન્મ ૩૦ ઓકટોબર ૧૯૭૦ના રોજ ધ્રોલ તાલુકાના તૈયાય ગામે સામાન્ય પરિવારમાં થયેલ હતો. આર્થીક સ્થિતિના આટાપાટા વચ્ચે ધો. ૧૨ (વિજ્ઞાનપ્રવાહ) સુધી અભ્યાસ કર્યો ડોકટર બનવાની મહેચ્છા પૂરી ન થતાં પત્રકારત્વ ક્ષેત્રે પગરવ માંડી પ્રથમ નૂતન સૌરાષ્ટ્ર અને ત્યારબાદ જય હિન્દ, સાંજ સમાચાર દૈનિકમાં ૧૬ વર્ષ સુધી સેવા આપી ચૂકયા છે.
૧૯૯૪માં ભરતભાઈ જોષીની સાથે મળી સિમ્પલ એડ એન્ડ કોમ્યુનિકેશનના નામે એડવર્ટાઇઝીંગનો વ્યવસાય શરૂ કરેલ જે હાલ અગ્રગણ્ય એક એજન્સી તરીકે ઉભરી આવેલ છે. બાળપણથી જ સમાજસેવાનો શોખ ધરાવતા રાજુભાઈ જુંજા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ડિરેકટર તરીકે રહી વેપારીઓના પ્રશ્નો માટે સતત જાગૃતતા દાખવી રહ્યા છે તેમજ વિવિધ સંસ્થાઓમાં પણ સેવા આપી રહ્યાં છે. તેમજ સમુહલગ્ન, શૈક્ષણિક સેમીનાર, સમાજના ઉત્થાન માટે ચિતનશિબિર, રકતદાન કેમ્પ. સર્વરોગ નિદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, ટ્રાફિક સમસ્યા નિવારણ અભિયાન, હેલ્મેટ જાગૃતિ અભિયાન, રોગચાળા સામે જનજાગૃતિ અભિયાન, નો હોર્ન પ્લીઝ મુવમેન્ટ, શહેરને સ્માર્ટ અને સ્વચ્છ બનાવવા તરફ એક કદમ અભિયાન, વ્યસન મુકતી અભિયાન જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અદા કરતા આવ્યા છે. ઉપરાંત સાર્વજાનિક ગણપતી ઉત્સવ, શરદ પૂર્ણીમા ઉત્સવ, હોળી ઉત્સવ, જન્માષ્ટમી રથયાત્રા, ભગવાન જગન્નાથજી રથયાત્રા વગેરે ઉત્સવોમાં હમેશા અગ્રેસર રહી સામાજીક અગ્રણી તરીકેની એક આગવી ઓળખ ઉભી કરી છે.
દરેક સમાજને સાથે લઇ ચાલનારા રાજુભાઈ વર્ષોથી ધાર્મીક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. તે ઉપરાંત ગોપાલક સમુહ લગ્ન સમિતીના નેજા હેઠળ ૨૮ વર્ષમાં ભરવાડ સમાજની રપ૦૦ થી વધુ દીકરીઓના સમુહ લગ્ન યોજવામાં સહભાગી થયા છે. સાથે જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રૈયાનગર વિસ્તારના સામાજીક સમરસતાની જવાબદારી સંભાળી રહયા છે. ઉપરાંત બૃહદ્ રાજકોટ પ્રતિષ્ઠાન, સાર્વજનીક સેવા સમિતિના પ્રમુખ તરીકે તેમજ સરદારનગર રોડ વેપારી એસોસીએશનનાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. સમાજના યુવાનોને સરકારી ભરતીની તૈયારી માટે સતત માર્ગદર્શન, સમાજમાંથી કુરીવાજો દૂર થાય અને શિક્ષિત સમાજનું નિર્માણ થાય તેના કાયમી હિમાયતી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો, વિવિધ સંસ્થાઓ અને વિવિધક્ષેત્રના આગેવાનો અને પ્રેસ મીડીયા સાથે જોડાયેલા રાજુભાઈ સૌ સાથે સમાન ભાવ રાખતા હોવાથી બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. તેમના જન્મદિને મિત્રો, સ્નેહીજનો, વેપારી મિત્રો, મીડીયાના મીત્રો અને શુભચિતકો દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, ટવીટર, વોટસએપ, મો. ૯૮૯૮૧૦૨૪૭૨ ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.(૩૮.૩૩)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
