<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

અવાજમાં નહિ, શબ્‍દોમાં તાકાતવાળા નેતા ટપુભાઇ લીંબાસિયાનો જન્‍મદિન

સમજણના સરનામે ખરા-ખોટાને તાગી લીધા, જાહેર જીવનના દરિયાઇ પાણીમાં ઘણાને ‘માપી' લીધા

રાજકોટ : જાહેર જીવનમાં પોતાની નિષ્‍ઠા અને પ્રતિષ્‍ઠાથી ગૌરવ શિખરે પહોંચેલા મોટા ગજાના અને મજાના જનસેવક શ્રી ટપુભાઇ લીંબાસિયા માટે આજે યાદગાર દિવસ છે. તેમનો જન્‍મ ૬ જાન્‍યુઆરી ૧૯૩૯ ના દિવસે થયેલ. આજના સૂરજે તેમના જાજરમાન જીવનના ૮૮માં વર્ષનો પ્રથમ દિવસ ઉગાડયો છે. કુવાડવા પાસેનું ખેરડી ગામ તેમની જન્‍મભૂમિ અને રાજકોટ કર્મભૂમિ છે.

ઉચ્‍ચ શિક્ષિત અને સંઘના સંસ્‍કારોથી દિક્ષિત શ્રી ટપુભાઇ રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સૌથી વધુ સમય (૪ દાયકાથી વધુ) ડીરેકટર તરીકે રહ્યા છે. તેમણે બેંકનું  વાઇસ ચેરમેન પદ પણ શોભાવેલ. સાર્વજનિક ક્ષેત્રના આ સારા સભ્‍યને પાંચ વર્ષ ધારાસભ્‍ય બનવાની તક મળેલ. રાજકોટ શહેર ભાજપના ઉપાધ્‍યક્ષ જેવા સ્‍થાનો પર રહી તેમણે સંગઠનની શ્રેષ્‍ઠ કામગીરી કરી છે. ર૬ વર્ષ પહેલા સંત કબીર રોડ પર શ્રી ગુરૂ દતાત્રેય સહકારી મંડળીનું બીજ રોપેલ. તે અત્‍યારે ઘટાટોપ વૃક્ષ થઇ ગયું છ.ે રાજકીય ક્ષેત્રે અનેક યુવાનોને તેમની આંગળી પકડી નામના ધરાવતા વ્‍યકિત બનવાની તક મળી છે. લેઉવા પટેલ સમાજ અને અન્‍ય સંસ્‍થાઓમાં તેમનું અનેરૂ યોગદાન રહ્યું છે. તેમના અવાજ કરતા શબ્‍દોમાં વધુ તાકાત છે. પોતે ખેડૂત હોવાથી જાણે છે કે ખેતી વરસાદના પાણીથી થાય, પુરના પાણીથી નહિ, જનસેવાના ખેતરમાં તેમણે લોકપ્રિયતાનો સોળ આની પાક ઉગાડયો છે. સ્‍ફૂર્તિ, સાદગી, સેવા અને સહકાર તેમની આગળ ઓળખ છે.

કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહએ તેમના જન્‍મદિન નિમિતે શુભેચ્‍છા પત્ર પાઠવ્‍યો છે. જીવનના ૮૮માં વર્ષમાં પ્રવેશ અને જાહેર જીવનની અર્ધ શતાબ્‍દી નિમિતે ટપુભાઇ પર આજે અનરાધાર શુભેચ્‍છા વરસી રહી છે.

મો. ૯૪ર૮ર ૦૦૦૯૯ રાજકોટ

(1:53 PM IST)