<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

જામનગરના ‘અકિલા'ના ફોટોગ્રાફર કિંજલ કારસરીયાનો આજે જન્‍મદિવસ

ટીવી રીપોર્ટર, ફોટો જર્નાલિસ્‍ટ અને અનેક સામાજિક-ધાર્મિક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા કિંજલ કારસરીયાનો ૪૦મા વર્ષમાં પ્રવેશ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧: જામનગરના જાણીતા પત્રકાર, ફોટોજર્નાલિસ્‍ટ અને અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા કિજલભાઈ કારસરીયાનો આજે તા. ૧ મેના રોજ જન્‍મદિવસ છે. તા. ૧-૫-૧૯૮૭ના રોજ અખાત્રીજના શુભ દિવસે જામનગરમાં જન્‍મેલા કિંજલભાઈ કે. કારસરીયા હાલ ટીવી રીપોર્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. ખુબ જ મળતાવડા સ્‍વભાવના કિજલભાઈ ટેકનોલોજી ક્ષેત્રે પણ સારું જ્ઞાન ધરાવે છે.

કિંજલ કારસરીયા છેલ્‍લા ઘણા વર્ષોથી પ્રિન્‍ટ, ઇલેક્‍ટ્રોનિક અને ડીઝીટલ સોશ્‍યલ મીડિયા સાથે કાર્યરત છે. તેઓ લોકપ્રિય સાંધ્‍ય દૈનિક ‘અકિલા'ના જામનગરના ફોટો જર્નાલિસ્‍ટ છે. સાથે સાથે ઇટીવી અને હાલમાં ન્‍યૂઝ૧૮ નેટવર્કમાં જામનગર જિલ્‍લામાં નિષ્‍પક્ષ અને નીડરતાથી પત્રકારત્‍વક્ષેત્રે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ જીટીપીએલ અંજાલિ કેબલમાં ‘જામનગર એટ ૯ ન્‍યૂઝ'માં ઓનલાઈન ન્‍યૂઝ એડિટર તરીકે સેવા આપી ચુક્‍યા છે. આ ઉપરાંત જી.એસ.ટીવી સહિત પ્રાદેશિક અને અન્‍ય નેશનલ ઇલેક્‍ટ્રોનિક મિડિયામાં પણ ફરજ બજાવી ચુક્‍યા છે.

સામાજિક ક્ષેત્રે પણ કિજલભાઈ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ જામનગરમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના અધ્‍યક્ષ છે. જામનગર પત્રકાર મંડળના હાલ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે અને ઘણા વર્ષોથી કારોબારી સભ્‍ય પણ છે. અગાઉ પણ જામનગર પત્રકાર મંડળના મંત્રી અને ઉપપ્રમુખ તરીકે તેઓ રહી ચૂક્‍યા છે. વિશ્વ હિન્‍દુ પરિષદના સેવા વિભાગના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે, જ્‍યારે અગાઉ પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક તરીકે પણ સેવા આપી ચૂક્‍યા છે. છેલ્‍લા ઘણા વર્ષોથી તેઓ શ્રી કૃષ્‍ણ જન્‍માષ્ટમી સાર્વજાનિક શોભાયાત્રાનું સફળ આયોજન સાથે નેતૃત્‍વ પણ કરે છે. મહાદેવ હર મિત્ર મંડળ-હિન્‍દુ ઉત્‍સવ સમિતિમાં કારોબારી સભ્‍ય તરીકે સેવા આપી ચુક્‍યા છે.

કિંજલભાઈ કારસરીયાને વર્લ્‍ડ રેકોર્ડ ઇન્‍ડિયા દ્વારા નાની વયે પત્રકારત્‍વ ક્ષેત્રે એડિટર તરીકેની કામગીરી બદલ રેકોર્ડ એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત પટેલ યુવા ગ્રુપ-ગુજરાતના કન્‍વીનર, સમસ્‍ત પાટીદાર સમાજના સરદારધામની વિશ્વ પાટીદાર મિડિયા કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના કન્‍વીનર તરીકે પણ તેઓ સેવારત રહી ચૂક્‍યા છે. કિજલભાઈ છેલ્‍લા ત્રણ ટર્મથી જિલ્‍લા પોલીસ સલાહકાર સમિતિના સભ્‍ય રહ્યા છે. તેઓ પ્રણામી ધર્મ સાથે અંતરનો નાતો ધરાવે છે તેમજ અનેક સામાજિક અને ધાર્મિક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે.

૧ મેના રોજ તેઓનો ૪૦મા વર્ષમાં પ્રવેશ થયો છે. તેમના જન્‍મદિને મિત્રો અને શુભેચ્‍છકો દ્વારા મોબાઇલ નંબર ૯૯૯૮૮ ૭૭૦૮૧ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(11:10 AM IST)