<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

સાફલ્‍ય અને માંગલ્‍યના માનવી ઉમેશ રાજયગુરૂનો જન્‍મદિન

એક સમયના યુથ આઇકોન અત્‍યારે ઓલ્‍ડ ઇઝ ગોલ્‍ડ

રાજકોટ : વર્ષ ૧૯૯૦ના દાયકામાં જાહેર જીવનમાં યુવા હૃદય સમ્રાટ તરીકે લોકપ્રિય બનેલા ભૂતપૂર્વ પ્રધાન ઉમેશ રાજ્‍યગુરુ માટે આજે સોમવારના સૂરજે સ્‍વર્ણિમ દિવસ ઉગાડ્‍યો છે .તેમનો જન્‍મ ૨૫ મે ૧૯૬૦ના દિવસે થયેલ .આજે વાત્‍સલ્‍ય માંગલ્‍ય અને સાફલ્‍યથી શોભતા જીવનના ૬૭મા વર્ષની ડોરબેલ  વગાડી છે.

ગુરુ તરીકે જાણીતા શ્રી ઉમેશ રાજ્‍યગુરુ કારકિર્દીના પ્રારંભે રાજકોટમાં તે વખતના વોર્ડ નંબર ૮માંથી ભાજપના કોર્પોરેટર તરીકે ચુંટાઈને કોર્પોરેશનની સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન બન્‍યા હતા.

શહેર ભાજપના મહામંત્રી પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી વગેરે સ્‍થાનો પર રહી સંગઠનને મજબૂત બનાવવા મહત્‍વનો ફાળો આપ્‍યો હતો .ધારાસભાની ચૂંટણી જીતીને જાયન્‍ટ કિલર બનેલા શ્રી ઉમેશ રાજયગુરુએ શ્રી કેશુભાઈ પટેલ સુરેશચંદ્ર મહેતા અને શંકરસિંહ  વાઘેલાની સરકારમાં મંત્રી તરીકે ઉલ્લેખનીય કામગીરી કરેલ. ૬૭માં વર્ષના પ્રારંભે પણ સ્‍ફુર્તિ એવી ઠસોઠસ ટકે વરસોવરસ...

તેઓ અત્‍યારે રાજકારણમાં અષાઢી મેઘની જેમ વરસતા નથી પણ ચૂંટણી જેવા પ્રસંગ હોય ત્‍યારે પાર્ટી લાઈન મુજબ વાવણી લાયક વરસી  લે છે .તેઓ માને છે કે સારો માણસ શોધવા જઈએ તો થાકી જઈએ પણ માણસમાં સારું શોધીએ તો ફાવી જઈએ. ઘડિયાળ ના કાંટા ચોટાડવાના બદલે સમયની સાથે ચાલવાનું તેમણે શીખી લીધું છે. વિતેલા વર્ષોના યુથ આઈકોન અત્‍યારે ઓલ્‍ડ ઇઝ ગોલ્‍ડ જેવી ભૂમિકામાં છે. વ્‍યાપક સંબંધોને તેમણે દિમાગથી નહીં દિલથી જાળવ્‍યા છે. જીવનસંગીની શ્રીમતી જ્‍યોતિબેન રાજ્‍યગુરુએ તેમના જીવનમાં પ્રસન્નતા પાથરી છે.

(10:56 AM IST)