<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

સૌરાષ્ટ્ર-પુત્ર સાહિત્‍યકાર વિષ્‍ણુ પંડયાનો સોમવારે જન્‍મદિનઃ ૮૧માં વર્ષમાં પ્રવેશ કરશે

 

રાજકોટઃ ઇતિહાસ-સંશોધન, પત્રકારત્‍વ, સાહિત્‍ય અને રાજકીય સમીક્ષા, એમ વિવિધ ક્ષેત્રે યશસ્‍વી પ્રદાન કરનાર ડો. વિષ્‍ણુ પંડયા ૧૪ સપ્‍ટેમ્‍બરના, ૨૦૨૬ના  ૮૦ વર્ષ પૂરાં કરી રહ્યા છે. જુનાગઢ જિલ્‍લાના માણાવદર ગામે પિતા ત્રિભુવનભાઈ વીરજી અને માતા સંતોષબહેનને ત્‍યાં જન્‍મેલા વિષ્‍ણુ પંડયા બાવીસમા વર્ષે વૈચારિક સાપ્તાહિક ‘‘ સાધના'' ના તંત્રી બન્‍યા હતાં, અને આંતરિક કટોકટી તેમ જ સેન્‍સરશીપની સામે કલમ દ્વારા સંઘર્ષ કર્યો હતો, પરિણામે ૧૩ માર્ચ, ૧૯૭૭ થી એક વર્ષ સુધી ભાવનગર અને વડોદરા જેલોમાં મિસા કાનૂન હેઠળ રહ્યા હતા. વડોદરા જેલમાં તે સમયે પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી પણ અનેક જેલવાસીઓમાં હતાં. તેમણે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે જેલમાં અમે વિષ્‍ણુભાઈની પાસે ઇતિહાસ અને રશિયન સાહિત્‍ય શીખતા.

વિષ્‍ણુ પંડયા ભાષા અને પત્રકારત્‍વના અધ્‍યાપક પણ રહ્યા હતાં. ૨૦૧૭ માં તેમણે સાહિત્‍ય અને પત્રકારત્‍વ માટે સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન ‘‘ પદ્મશ્રી''  રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના વરદ હસ્‍તે એનાયત થયું હતું. ૨૦૧૮ માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડયાએ તેમને માનદ ડોક્‍ટરેટ ( ડી. લીટ ) ની પદવી રાજ્‍યપાલશ્રીના વરદ હસ્‍તે આપીને સન્‍માન કર્યું હતું. શ્રી પંડયા ૨૦૧૭ થી ૨૦૦૨ સુધી ગુજરાતી, સંસ્‍કૃત, હિન્‍દી, કચ્‍છી, સિધી  સાહિત્‍ય અકાદમીના અધ્‍યક્ષ બન્‍યા, સાહિત્‍યકારો તેણે અકાદમીનો સ્‍વર્ણિમ યુગ ગણે છે. તે જ સમયે, વર્ષોથી પડી રહેલી અકાદમી ભવન નિર્માણની ફાઇલ માટે પ્રયાસ કરીને તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના  વરદ હસ્‍તે શિલારોપણ કરાવ્‍યું હતું, આજે તે ઇમારતમાં અકાદમી કાર્યરત છે. વિષ્‍ણુ પંડ્‍યાના પ્રમુખપદે ૨૦૨૧ માં  દુનિયાભરના ૮૭ સાહિત્‍યકારોને પંદરમી ઓગસ્‍ટે અકાદમીએ સન્‍માનિત કર્યા હતા.

વિષ્‍ણુ પંડ્‍યાને ગયા વર્ષે કાશીમાં કાંચી શારદાપીઠના  શંકરાચાર્ય ભાષા ગૌરવનું સન્‍માન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સાહિત્‍ય સંસ્‍થા ‘‘ પેન્‍ટસી'' અને ‘‘ મોટીવેશનલ સ્‍ટ્રીપ્‍સ દ્વારા પણ સન્‍માન થયું હતું.

વિષ્‍ણુ પંડ્‍યાના ૧૮૭ પુસ્‍તકો પ્રકટ થયા છે, તેમ પાંચ હિન્‍દી અને ત્રણ મરાઠીમાં અનુવાદિત થયા છે. કટોકટીની જેલ-કથા ‘‘ મિસાવાસ્‍યમ'' અને ‘‘ મિસાવાસીની જેલડાયરી'' , અટલબિહારી વાજપેયી વિષે વિસ્‍તૃત ગ્રંથ ‘‘ આપણાં અટલજીઃ  સ્‍મૃતિ, રાજનીતિ અને કવિતા'' તેમણે લખેલા પુસ્‍તકો છે. ૧૫ જેટલા પુસ્‍તકો સાહિત્‍ય પરિષદ, સાહિત્‍ય અકાદમી અને અન્‍ય  સાહિત્‍યિક સંસ્‍થાઓ દ્વારા  પરિષ્‍કૃત કરવામાં આવ્‍યા છે. તેમનું લેખન, વાંચન, સંશોધન અને પરિભ્રમણ હજુ અવિરત છે. (સંપર્ક ૯૪૨૭૮૦૪૭૨૨)

(1:01 PM IST)