<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

કાન ફિલ્‍મફેર ફેસ્‍ટીવલમાં મુંબઇની પાયલ કાપડિયાનો દબદબોઃ ‘ઓલ વી ઇમેજીન એઝ લાઇટ' ફિલ્‍મને નોમિનેટ કરાઇ

30 વર્ષ બાદ ભારતીય ફિલ્‍મ જગતના ઇતિહાસમાં આવી ફિલ્‍મને સ્‍થાન મળ્‍યુ

મુંબઇઃ પાયલ કાપડિયાએ તેની ડેબ્યુ ફીચર ફિલ્મ ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’ દ્વારા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મને ફ્રાન્સમાં ગુરુવારે પ્રીમિયર કરવામાં આવી હતી. ભારતીય ફિલ્મ જગતના ઇતિહાસમાં ૩૦ વર્ષ બાદ કોઈ ફિલ્મને આ ફેસ્ટિવલમાં નોમિનેટ કરવામાં આવી છે. મલયાલમ, હિન્દી અને મરાઠીમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી બે મહિલાની આસપાસ ફરે છે જેઓ મુંબઈમાં રહેતી હોય છે. બન્ને નર્સ હોય છે અને તેમની રિલેશનશિપને લઈને તેઓ દુખી હોય છે. બન્ને બીચ ટાઉન માટે રોડ-ટ્રિપ પર જવાનું નક્કી કરે છે. પાયલ કાપડિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ ઇન્ટરનૅશનલ ઑડિયન્સને ખૂબ જ પસંદ પડી છે. આ ફિલ્મ-ફેસ્ટિવલમાં અત્યાર સુધીનું સૌથી લાંબું આઠ મિનિટનું સ્ટૅન્ડિંગ ઓવેશન આ ફિલ્મને મળ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇન્ડો-ફ્રેન્ચ પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મ દ્વારા પાયલ હવે આ ફિલ્મ-ફેસ્ટિવલના સૌથી સર્વોચ્ચ અવૉર્ડની દાવેદારના લિસ્ટમાં આવી ગઈ છે.

કોણ છે પાયલ કાપડિયા?

પાયલ કાપડિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણે મુંબઈની સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાંથી ઇકૉનૉમિક્સમાં બૅચલર્સ ડિગ્રી મેળવી હતી. તેણે સોફિયા કૉલેજમાં એક વર્ષ માટે માસ્ટર ડિગ્રી પણ કરી હતી. ત્યાર બાદ તે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં ફિલ્મ-ડિરેક્શનનું ભણવા ગઈ હતી. તેને બીજી વાર કોશિશ કરી હતી ત્યારે ઍડ્મિશન મળ્યું હતું. તે ભારતની પહેલી મહિલા છે જેની ફિલ્મ કાન ફિલ્મ-ફેસ્ટિવલની કૉમ્પિટિશનમાં સિલેક્ટ થઈ છે. આ પહેલાં ૨૦૨૧માં આવેલી તેની ડૉક્યુમેન્ટરી ‘અ નાઇટ ઑફ નોઇંગ’ને કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ગોલ્ડન આઇ અવૉર્ડ મળ્યો હતો. ૨૦૧૭માં તેની શૉર્ટ ફિલ્મ ‘આફ્ટરનૂન ક્લાઉડ્સ’ ભારતની એકમાત્ર ફિલ્મ હતી જેને કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં પસંદ કરવામાં આવી હતી.

ભારતની ‘સનફ્લાવર્સ...’ને મળ્યો શૉર્ટ ફિલ્મનો અવૉર્ડ

૭૭મા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં ઇન્ડિયાની શૉર્ટ ફિલ્મ ‘સનફ્લાવર્સ વર ધ ફર્સ્ટ વન્સ ટુ નો’ને બેસ્ટ શૉર્ટ ફિલ્મનો અવૉર્ડ મળ્યો છે. પ્રસિદ્ધ કન્નડા લોકવાયકા પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી. આ લોકવાયકા એક વૃદ્ધ મહિલાની છે જે એક કૂકડો ચોરી કરે છે અને એને કારણે સૂર્યોદય નથી થતો. ૧૬ મિનિટની આ ફિલ્મને ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સ્ટુડન્ટ ચિદાનંદ એસ. નાયક દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ કૅટેગરીમાં ત્રીજું પ્રાઇઝ ઇન્ડિયાની માનસી માહેશ્વરીની ‘બનીહુડ’ને મળ્યું છે. આ કૅટેગરીમાં ૧૮ સ્ટુડન્ટ્સ ફિલ્મ્સને પસંદ કરવામાં આવી છે. દુનિયાભરની ૫૫૫ ફિલ્મ સ્કૂલ્સમાંથી ૨૨૬૩ એન્ટ્રી મોકલવામાં આવી હતી, જેમાંથી ૧૮ ફિલ્મો પસંદ થઈ હતી.

(4:58 PM IST)