<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

એજાઝ ખાન ભીંસાયા મુશ્કેલીમાં! OTT શો 'હાઉસ અરેસ્ટ'માં અશ્લીલતા ફેલાવવા બદલ FIR દાખલ : વીડિયો થયા હતા વાયરલ

બિગ બૉસથી જાણીતા થયેલા એક્ટર એજાઝ ખાનના નવા શો પર અશ્લીલ કન્ટેન્ટ પીરસવાનો આરોપ : મુંબઈ પોલીસે નોંધી ફરિયાદ

મુંબઈ: બિગ બૉસથી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા એજાઝ ખાન હાલમાં તેના નવા OTT શો 'હાઉસ અરેસ્ટ'ને લઈને વિવાદોમાં ઘેરાયો છે. આ વિવાદાસ્પદ શોમાં અશ્લીલ સામગ્રી દર્શાવવા બદલ તેની સામે FIR દાખલ કરવામાં આવી છે. એજાઝ ખાન અને શો સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે OTT શો 'હાઉસ અરેસ્ટ'માં કથિત અશ્લીલ સામગ્રી માટે અભિનેતા એજાઝ ખાન, નિર્માતા રાજકુમાર પાંડે અને અન્ય લોકો સામે પ્રાથમિક માહિતી રિપોર્ટ (FIR) નોંધી છે. એજાઝ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો આ વેબ શો ઉલ્લુ એપ પર સ્ટ્રીમ થાય છે.
બજરંગ દળના કાર્યકર્તા દ્વારા FIR દાખલ
અંબોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, "બજરંગ દળના કાર્યકર્તા ગૌતમ રાવરિયાની ફરિયાદના આધારે પોલીસે અભિનેતા એજાઝ ખાન, વેબ શો 'હાઉસ અરેસ્ટ'ના નિર્માતા રાજકુમાર પાંડે અને ઉલ્લુ એપના અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે."
ફરિયાદ અનુસાર, વેબ શોમાં અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને શોમાં કરવામાં આવેલા કૃત્યોથી મહિલાઓની ગરિમાનું અપમાન થયું છે. તેમણે કહ્યું હતું કે, "ફરિયાદકર્તાને શોની અશ્લીલ સામગ્રી વિશે ઘણી ફરિયાદો મળી હતી અને ઘણા લોકોએ આ અંગે ફરિયાદ કરવા માટે તેમને વ્યક્તિગત સંદેશા પણ મોકલ્યા હતા."
'શોમાં પીરસવામાં આવી અશ્લીલતા'
અધિકારીએ જણાવ્યું હતું કે 'હાઉસ અરેસ્ટ'ના નિર્માતા અને હોસ્ટ પર ભારતીય ન્યાય સંહિતા (BNS), માહિતી સંલગ્ન અધિનિયમ અને મહિલાઓના અશ્લીલ ચિત્રણ (નિષેધ) અધિનિયમની કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વેબ શોના વીડિયો ક્લિપ્સમાં ખાન મહિલાઓ સહિતના સ્પર્ધકો પર આંતરંગ દ્રશ્યો ભજવવા માટે દબાણ કરતો જોવા મળી રહ્યો છે. તે સ્પર્ધકોને કેટલાક અશ્લીલ પ્રશ્નો પણ પૂછે છે.
ભાજપના MLCએ કેન્દ્રીય મંત્રીને કરી આ માંગ
ગુરુવારે મહારાષ્ટ્રના ભાજપના MLC ચિત્રા વાઘે 'હાઉસ અરેસ્ટ' પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેની સામગ્રી અશ્લીલ છે અને સમાજ માટે, ખાસ કરીને બાળકો માટે હાનિકારક છે. તેમણે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને આવી સામગ્રીને પ્રોત્સાહન આપતી મોબાઇલ એપ્લિકેશન્સ સામે કડક કાર્યવાહી કરવા પણ વિનંતી કરી હતી.
શો વિરુદ્ધ બોલતા વાઘે કહ્યું હતું કે, "પોતાને અભિનેતા કહેનારા એજાઝ ખાને 'હાઉસ અરેસ્ટ' નામનો એક શો બનાવ્યો છે, જે અશ્લીલતાના પ્રતીક સિવાય બીજું કંઈ નથી. ઉલ્લુ એપ પર સ્ટ્રીમ થયેલા આ શોની ક્લિપ્સ હવે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ફરતી થઈ ગઈ છે અને તે અત્યંત અશ્લીલ છે."

 

(10:16 AM IST)