<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

શ્રીકાંત તિવારી ‘ફેમિલી મેન-૩'માં નવા મિશન પર જશે

મનોજ બાજપાઈની લોકપ્રિય સિરીઝનું પોસ્‍ટર રિલીઝ થતાં જ ફેન્‍સ ઉત્‍સાહમા

મુંબઇ તા.૨૭: મનોજ બાજપાઈની લોકપ્રિય સિરીઝ ‘ધ ફેમિલી મેન ૩'નું પોસ્‍ટર રિલીઝ થઈ ગયું છે. રાજ એન્‍ડ ડીકેની આ સિરીઝની આગળની બે સિઝન ઘણી લોકપ્રિય થઈ છે. તેમાં મનોજ બાજપાઈનો શ્રીકાંત તિવારી તરીકેનો રોલ ઘણો લોકપ્રિય થયો છે. ત્‍યારે હવે એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા આ સિરીઝનાં ફર્સ્‍ટ લૂકનું પોસ્‍ટર શેર કરવામાં આવ્‍યું છે. જેના કારણે આ સિરીઝના દર્શકો ઉત્‍સાહમાં આવી ગયાં છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી સિરીઝની રાહ જુએ છે. પ્રાઇમ વિડિયો દ્વારા શેર કરાયેલા પહેલા લૂકની કૅપ્‍શનમાં લખાયું, બધાની નજર અમારા ફેમિલીમેન પર છે. ધ ફેમિની મેનની નવી સિઝન બહુ જલ્‍દી આવી રહી છે. આ પોસ્‍ટરમાં મનોજ બાજપાઈ બુકાનીધારી અને બંદૂકધારી લોકો વચ્‍ચે ઘેરાયેલો છે. તે દર્શાવે છે કે આ વથતની સિઝન પણ પહેલાંની બંને સિઝન જેટલી જ થ્રિલિંગ હશે.

માત્ર દર્શકો નહીં પણ આ પોસ્‍ટ પર સમંથા, સિરીઝમાં મનોજ બાજપાઈ સાથે જોવા મળતો શારી હાશ્‍મી અને શ્રેયા ધનવંતરી સહીતના કલાકારોએ પણ આ અંગે ઉત્‍સાહ દર્શાવ્‍યો હતો. આ સિરીઝની બીજી સિઝનમાં સમંથા મુખ્‍ય વિલન બની હતી. તેણે પણ પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ પર આ પોસ્‍ટર શેર કર્યું હતું.

જોકે, હજુ આ સિઝનની રિલીઝ ડેટ જાહેર થઈ નથી, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી દિવાળી ૨૦૨૫ આસપાસ આ સિઝન આવશે એવી ચર્ચા છે. આ સિરીઝના ચાહકો માટે વધુ એક આનંદની વાત એ છે કે આ સિઝનમાં મજબુત કલાકારો સાથે જયદીપ આહલાવત પણ જોડાયો છે, તેના કારણે પણ આ સિઝન માટે વધારે ઉત્‍સુકતા છે. જોકે, તેના આ સિઝનમાં કોઈ રોલ વિશે પણ ઓફિશિયલી હજુ કોઈ જાહેરાત થઈ નથી. એ સિવાયની કાસ્‍ટની વાત કરવામાં આવે તો આ સિઝનમાં પણ પ્રિયા મણી, શારિબ હાશ્‍મી, શ્રેયા ધનવંતરી, આશ્‍લેષા ઠાકુર, વિપિન શર્મા, દલિપ તાહિલ, સીમા બિસ્‍વાસ અને ગુલ પનાગ જેવા કલાકારો હશે.

એવી પણ શકયતા છે કે આ સિઝનમાં રાજ અને ડીકેની અન્‍ય એક લોકપ્રિય સિરીઝ ‘ફર્ઝી'નું ક્રોસ ઓવર જોવા મળશે, કારણ કે બંને સિરીઝ એક જ યુનિવર્સની માનવામાં આવે છે. આ ઉપરાંત ‘ફર્ઝી'માં પણ શ્રીકાંત તિવારી એટલે કે મનોજ બાજપાઈનો એક કેમિયો હતો. આ સિરીઝમાં શાહિદ કપૂર અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા. ‘ફેમિલી મેન ૩'નું કામ પૂરું થશે એવું તરત રાજ અને ડીકે ‘ફર્ઝી'ની બીજી સિઝનનું કામ શરૂ કરવાના હોવાની પણ ચર્ચા છે.

(11:34 AM IST)