News of Friday, 8th August 2025
બેસ્ટ એક્ટર ચેતન ધાનાણીઃ બેસ્ટ એક્સ્ટ્રેસ બ્રિદા ત્રિવેદી : બેસ્ટ ફિલ્મ કર્મ
વર્ષ ૨૦૨૩ માટેના ગુજરાતી ફિલ્મોના એવોર્ડ જાહેર, ‘કર્મ' અને ‘શુભયાત્રા'એ બાજી મારી : બાળ કલાકારનો શ્રેષ્ઠ એવોર્ડ વિશાલ ઠકકરનેઃ પાર્શ્વગાયન માટે ઉમેશ બારોટ અને મધુવંતી બાગ ચીને એવોર્ડ મળ્યા

અમદાવાદ તા.૮: ગુજરાતી ફિલ્મ ગુણવત્તાયુક્ત બને અને તેને પ્રોત્સાહન મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મ માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯ હેઠળ ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને વિવિધ કેટેગરીમાં રોકડ પુરસ્કાર-પારિતોષિક એનાયત કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ-૨૦૨૩ના સમયગાળા દરમિયાન થિએટરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ માટે રાજ્ય સરકાર દ્વારા ૪૬ કેટેગરી પૈકી ૪૦ કેટેગરીમાં પ્રોત્સાહક રકમ અને પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક વિજેતા કલાકાર-કસબીઓનો હવે પછી સન્માન સમારોહ યોજવામાં આવશે અને એવોર્ડ એનાયત કરાશે.
શ્રેષ્ઠ ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ' માટે નિર્માતા ચિન્મય પુરોહિત, નીરજ નાઈક અને સુબ્રમણ્યમ ઐયરને જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્રનો એવોર્ડ ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ' માટે નિર્માતા અને દિગ્દર્શક જશવંત ગાંગાણીને જાહેર કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘શુભયાત્રા' માટે નિર્માતા અને દિગ્દર્શક મનીષ સૈનીને જાહેર કરવામાં આવ્યો હતો.
શ્રેષ્ઠ દિગ્દર્શનનો અવોર્ડ ફિલ્મ ‘સંબંધોમાં ખાલી જગ્યા' માટે જયેશ ત્રિવેદીને, શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ' માટે ચેતનકુમાર ધાનાણીને, શ્રેષ્ઠ અભિનેત્રીનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ' માટે બ્રિન્દા ત્રિવેદીને, શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો એવોર્ડ ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ' માટે વિશાલ ઠકકર, શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો એવોર્ડ ગીત ‘આવજો આવજો' માટે ઉમેશ બારોટ તેમ જ શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો અવોર્ડ ગીત ‘હું અને તું' માટે મધુબંતી બાગચીને જાહેર કરવામાં આવ્યો હતો.
મહિલા સશક્તિકરણ અંગેનું શ્રેષ્ઠ ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘નિક્કી' માટે નિર્માતા અને દિગ્દર્શક રૂપાંગ આચાર્ય, તે ઉપરાંત શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો એવોર્ડ પણ રૂપાંગ આચાર્યને ‘નિક્કી' ફિલ્મ માટે જાહેર કરવામાં આવ્યો હતો. દ્વિતીય શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો એવોર્ડ ફિલ્મ ‘મસ્તીની પાઠશાળા' માટે નિર્માતા વિપુલ શાહ તેમજ દિગ્દર્શક સુનીલ વાઘેલાને જાહેર કરવામાં આવ્યો હતો.(૩૮.૧૨)

(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
