<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

વિકેન્‍ડ રહેશે એક્‍શન, થ્રિલર, કોમેડી અને હોરરથી ભરપૂર

આજે સિનેમાઘરો અને ઓટીટી પ્‍લેટફોર્મ એમ બંને પર મળીને કુલ ૭ ફિલ્‍મો રિલીઝ

મુંબઈ,તા.૦૫: વિકેન્‍ડમાં શું કરવું? આ સવાલ દરેકના મનમાં થતો હોય છે. પરંતુ આ વિકેન્‍ડ તમારા માટે મનોરંજનથી ભરપૂર રહેવાનું છે. કારણ કે આજે સિનેમાઘરો અને ઓટીટી પ્‍લેટફોર્મ એમ બંને પર મળીને કુલ ૭ ફિલ્‍મો રિલીઝ થઈ રહી છે.

જો તમે સિનેમાઘરોમાં જઈને ફિલ્‍મ જોવા ઈચ્‍છો છો. તો તમારા માટે સાજિદ નડિયાદવાલાની ‘બાઘી' સીરીઝની ‘બાગી ૪' ફિલ્‍મ જોવા જઈ શકો છો. આ ફિલ્‍મમાં તમને ટાઈગર શ્રોફની એક્‍શન, સંજય દત્તનું ખૂંખારરૂપ, મિસ યુનિવર્સ હરનાઝ સંધૂની અદાઓ જોવા મળશે. જો તમે એક્‍શન-ડ્રામા ફિલ્‍મના ફેન્‍સ છો. તો આ તમારા માટે પરફેક્‍ટ છે.

‘બાગી ૪' ફિલ્‍મની સાથે જાણીતા ફિલ્‍મમેકર વિવેક અગ્નિહોત્રીની ફિલ્‍મ પણ રિલીઝ થઈ રહી છે. તાસ્‍કંદ ફાઈલ (૨૦૧૯), કશ્‍મીર ફાઈલ(૨૦૨૩) બાદ આ સીરીઝની હવે ‘ધ બંગાળ ફાઈલ્‍સ' ફિલ્‍મ ૫ સપ્‍ટેમ્‍બરના રોજ રિલીઝ થવાની છે. જોકે, આ ફિલ્‍મ રિલીઝ થતા પહેલા જ વિવાદાસ્‍પદ બની ચૂકી છે. કારણ કે તે ૧૯૪૬માં કોલકત્તામાં થયેલા રમખાણો પર આધારિત છે.

ઉપરોક્‍ત બે ફિલ્‍મો સિવાય એક કોમેડી-થ્રિલર ફિલ્‍મ પણ આ અઠવાડિયે રિલીઝ થઈ રહી છે. ‘ઉફ્‌ યે સિયાપા' ફિલ્‍મ એક પણ ડાયલોગ વગરની ફિલ્‍મ છે. જેમાં નોરા ફતેહી, નુસરત ભરૂચા જેવી અભિનેત્રીઓ જોવા મળશે. ફિલ્‍મનું ટ્રેલર રસપ્રદ છે. તેથી આ ફિલ્‍મ પણ તમે સિનેમાઘરમાં જોવા જઈ શકો છો.

બોલીવૂડની ફિલ્‍મોની સાથે સિનેમાઘરોમાં હોવીવૂડની ફિલ્‍મ પણ રિલીઝ થઈ રહી છે. હોરર ફિલ્‍મોના ચાહકો માટે આ અઠવાડિયે ‘કન્‍જ્‍યુરિંગ ૪' ફિલ્‍મ રિલીઝ થઈ રહી છે. જો તમને ‘કન્‍જ્‍યુરિંગ' ફિલ્‍મ સીરીઝની અગાઉની ફિલ્‍મો પસંદ આવી હોય તો તમે આ ફિલ્‍મ જોવાનું જોખમ લઈ શકો છો.

આ તો થઈ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્‍મોની વાત. પરંતુ ઘરે બેઠા પણ તમે ઓટીટી પ્‍લેટફોર્મ પર નવી ફિલ્‍મો જોઈ શકશો. આ અઠવાડિયે જુદા જુદા ઓટીટી પ્‍લેટફોર્મ પર મળીને કુલ ૩ ફિલ્‍મો રિલીઝ થવા જઈ રહી છે. રાજકુમાર રાવ અને માનુષિ ચિલ્‍લરને ફિલ્‍માવતી ‘માલિક' ફિલ્‍મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્‍મ પોલિટિકલ અને અંડરવર્લ્‍ડ ડ્રામાથી ભરપૂર છે. આ સિવાય ‘મ્‍યુઝિકલ ડ્રામાથી ભરપૂર ફિલ્‍મ ‘આંખો કી ગુસ્‍તાખિયા' પણ ઝી૫ પર સ્‍ટ્રીમ થવાની છે.

મનોજ બાજપેયીના ફેન્‍સ અને ક્રાઈમ-થ્રિલર ફિલ્‍મો જોવામાં રસ ધરાવતા લોકો માટે આ અઠવાડિયે ‘ઇન્‍સ્‍પેક્‍ટર જેંડે' નેટફિલક્‍સ પર રિલીઝ થવાની છે. આ એક સત્‍યઘટના પર આધારિત ફિલ્‍મ છે. જેમાં મનોજ બાજપેયીએ ૯૦ના દાયકામાં એક ખૂંખાર કિલરને પડકનાર પોલીસ ઈન્‍સપેક્‍ટરની ભૂમિકા ભજવી છે.(૪૦.૮)

(9:49 AM IST)