<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

અભિનેતા આલોક નાથને મલ્ટી-લેવલ માર્કેટિંગ છેતરપિંડી કેસમાં સુપ્રીમ કોર્ટથી મળી મોટી રાહત : ધરપકડ પર લાગ્યો પ્રતિબંધ

આ કેસમાં સુપ્રીમ કોર્ટથી અભિનેતા શ્રેયસ તલપડેને પણ મળી રાહત : કંપનીનું નામ હ્યુમન વેલફેર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે જેમાં આ બન્ને અભિનેતા બ્રાન્ડ એમ્બેસેડર હતા

મુંબઈ: મલ્ટી-લેવલ માર્કેટિંગ છેતરપિંડી કેસમાં ફિલ્મ અભિનેતા આલોક નાથને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે અભિનેતાની અરજી પર હરિયાણા, ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે.સુપ્રીમ કોર્ટે આલોક નાથની ધરપકડ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અભિનેતા શ્રેયસ તલપડેને પણ આ કેસમાં સુપ્રીમ કોર્ટથી રાહત મળી છે.જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે અભિનેતાની અરજી પર હરિયાણા પોલીસ અને અન્ય લોકોને નોટિસ ફટકારી છે.હવે સુપ્રીમ કોર્ટ અભિનેતા શ્રેયસ તલપડેની અરજી સાથે આલોક નાથના કેસની પણ સુનાવણી કરશે. આલોક નાથ અને શ્રેયસ તલપડેએ તેમની સામે નોંધાયેલા કેસને રદ કરવાની માંગ કરી છે.આ સમગ્ર મામલો હરિયાણાના સોનીપતમાં એક મલ્ટી-માર્કેટિંગ ફર્મ સાથે સંબંધિત છે. ફિલ્મ અભિનેતા આલોક નાથ સામે છેતરપિંડીના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો. આ કંપનીએ અભિનેતા આલોક નાથ અને શ્રેયસ તલપડેને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા.સોનીપત અને લખનૌ બંનેમાં નોંધાયેલી FIRમાં શ્રેયસ તલપડે અને આલોક નાથ સહિત 13 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ફરિયાદમાં 7 આરોપીઓએ કથિત રીતે કહ્યું હતું કે 45 રોકાણકારો સાથે 9.12 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.FIR મુજબ, આ કંપનીનું નામ હ્યુમન વેલફેર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે, જેણે 16 સપ્ટેમ્બર 2016 ના રોજ હરિયાણા અને લખનૌ સહિત ઘણા રાજ્યોમાં છેતરપિંડીનો ધંધો શરૂ કર્યો હતો. આ સોસાયટી મધ્યપ્રદેશના ઇન્દોરમાં નોંધાયેલી હોવાનું કહેવાય છે.સોસાયટીમાં રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ જેવી યોજનાઓ ઓફર કરવામાં આવી હતી. સારા વ્યાજ દરના લોભને કારણે ઘણા લોકોએ આ કંપનીમાં રોકાણ કર્યું હતું.કરોડો રૂપિયાની છેતરપિંડી બાદ, ગયા વર્ષે નવેમ્બરમાં સોસાયટીની ઓફિસો અચાનક બંધ થવા લાગી, ત્યારબાદ પીડિતોએ અલગ અલગ જગ્યાએ FIR નોંધાવી. હાલમાં, આ કંપનીના સ્થાપકોની શોધ ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ હજુ સુધી તેમને પકડી શકી નથી.

 

(5:47 PM IST)