<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ધુરંધરથી લઇને અવતાર ૩: ૨૦૨૫નો અંત પણ ધમાકેદારઃ બોક્‍સ ઓફિસને વર્ષ ફળ્‍યું

આ વર્ષે સાબિત કર્યું છે કે ઓછા બજેટની ફિલ્‍મોએ દર્શકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો, મૂળ સાથે જોડાયેલી વાર્તાઓ અને સ્‍થાનિક પાત્રો સાથેની ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર જીતી ગઈ : નવેમ્‍બરની શરૂઆત અજય દેવગનની ‘દે દે પ્‍યાર દે ૨'થી થશે. તેના પછી ફરહાનની દેશભક્‍તિની ફિલ્‍મ ‘૧૨૦ બહાદુર' આવશે અને ત્‍યાર પછી ‘મસ્‍તી ૪'થી કોમેડી ફ્રેન્‍ચાઇઝી પાછી ફરશે

મુંબઈ,તા.૦૫: હવે ૨૦૨૫નું વર્ષ તેના અંત સુધી આગળ વધી રહ્યું છે, આ વર્ષે બોલિવૂડની ફિલ્‍મોએ જાણે ગતિ પકડી લીધી છે, સાથે જ સાઉથની ફિલ્‍મો પણ મૂળ સાથે જોડાયેલી વાર્તાઓ સાથે સ્‍થિર ગતિએ આગળ વધી રહી છે. ત્‍યારે ઇન્‍ડસ્‍ટ્રીના ટ્રેડ એક્‍સપર્ટ્‍સ જણાવે છે, શું ચાલ્‍યું અને શું નહીં અને વર્ષનું અંત કેવું રહેશે. હવે ૨૦૨૫ના વર્ષના છેલ્‍લા બે મહિના બચ્‍યાં છે, ત્‍યારે આ સમગ્ર વર્ષ સરપ્રાઇઝથી ભરેલું રહ્યું છે, ફરી એક વખત લવ સ્‍ટોરી આજે પણ લોકપ્રિય થઈ શકે છે, તે આ વર્ષે સાબિત કર્યું છે. ઓછા બજેટની ફિલ્‍મોએ દર્શકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો, મૂળ સાથે જોડાયેલી વાર્તાઓ અને સ્‍થાનિક પાત્રો સાથેની ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર જીતી ગઈ છે. છતાં ૨૦૨૫માં કેટલીક એવી ફિલ્‍મ પણ આવી છે, જેણે દર્શકોને નિઃરાશ કર્યા છે અને મેકર્સને વિચારતાં કર્યાં છે કે ખરેખર શું ચાલે છે અને શું નહીં.

૨૦૨૪નાં વર્ષમાં નિષ્‍ફળ ફિલ્‍મ વધુ અને સફળ ફિલ્‍મ ઓછી આવી હતી, પરંતુ ૨૦૨૫માં ઇન્‍ડસ્‍ટ્રીએ ફરી ગતિ પકડી છે. ટ્રેડ એક્‍સપર્ટ ગિરિશ વાનખેડેના જણાવ્‍યા અનુસાર, ‘‘બોલિવૂડ ૨૦૨૫માં સફળતાથી પાછું ફર્યું છે અને દરેક પ્રકારની ફિલ્‍મ જોવા મળી છે.''

તેમણે જણાવ્‍યું, ‘‘દંતકથા સમાન ફિલ્‍મ ‘છાવા'થી લઇને ‘સૈયારા' જેવી આત્‍માને સ્‍પર્ષી જતી ફિલ્‍મ હોય કે પછી ‘રેડ ૨' જેવી થ્રિલર ફિલ્‍મ, કે પછી તાજેતરમાં રિલીઝ થયેલી બિલકુલ અલગ પ્રકારની ફિલ્‍મ ‘થામા' કે ‘એક દિવાને કી દિવાનિયત' સહિતની ફિલ્‍મોએ સાબિત કરી દીધું છે કે કન્‍ટેન્‍ટ અને સ્‍ટાર પાવર બંને એકસાથે કામ કરી શકે છે.  આ સાથે જ સામાન્‍ય પ્રદર્શન કરતી ‘હાઉસફુલ ૫', ‘સિતારેં ઝમીન પર' સ્‍થિર રીતે પણ સારી કમાણી કરી ગઈ હતી. જ્‍યારે ‘પરમ સુંદરી', ‘સન્ની સંસ્‍કારી કી તુલસી કુમારી' અને ‘ધડક ૨' જેવી ફિલ્‍મોએ નવા રંગ જરૂર પૂરા પાડ્‍યા. ગયા વર્ષે આવેલી ‘સ્‍ત્રી ૨', ‘કલકી', ‘શૈતાન', ‘મુંજ્‍યા',‘ક્રૂ' જેવી ફિલ્‍મથી વેરાયટી જરુર આવી હતી, પરંતુ ૨૦૨૫નું વર્ષ ૨૦૨૪ની સરખામણીએ બોક્‍સ ઓફિસ પર વધુ સફળ રહ્યું હતું.''

૨૦૨૫નો અંત કેવો હશે

૨૦૨૫ના છેલ્‍લા બે મહિના જ બાકી છે, પરંતુ આ બે મહિનામાં આવનારી ફિલ્‍મો કેવી ચાલશે એ મહત્‍વનું છે. નવેમ્‍બરની શરૂઆત અજય દેવગનની ‘દે દે પ્‍યાર દે ૨'થી થશે. તેના પછી ફરહાનની દેશભક્‍તિની ફિલ્‍મ ‘૧૨૦ બહાદુર' આવશે અને ત્‍યાર પછી ‘મસ્‍તી ૪'થી કોમેડી ફ્રેન્‍ચાઇઝી પાછી ફરશે. આ મહિનાના અંત સુધીમાં ધનુષ અને ક્રિતિ સેનનની ‘તેરે ઇશ્‍ક મેં'થી ફરી એક વખત લવસ્‍ટોરીવાળી ફિલ્‍મ જોવા મળશે.

ડિસેમ્‍બર મહિનાનું કેલેન્‍ડર ભરચક રહેવાનું છે, જેમાં રનવીર સિહની સ્‍પાય ફિલ્‍મ ‘ધુરંધર'થી લઇને કાર્તિક આર્યન અને અનન્‍યા પાંડેની ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી' રજાઓ દરમિયાન રિલીઝ થશે. આ અઠવાડિયામાં હોલિવૂડની લોકપ્રિય ફિલ્‍મ ‘અવતારઃ ફાયર એન્‍ડ એશ' રિલીઝ થશે, જેનાથી ઓડિયન્‍સને થિએટરમાં એક ગ્‍લોબલ ફિલ્‍મ જોવાની પણ તક મળશે. જેમ્‍સ કેમેરુનની ફિલ્‍મ વિશે વાનખેડેના જણાવ્‍યા અનુસાર, ‘‘અવતાર ફ્રેન્‍ચાઇઝીની ફિલ્‍મો વિશ્વભરમાં લોકપ્રિય છે. ભલે આ એક હોલિવૂડ ફિલ્‍મ હોય, પરંતુ ભારતની બોક્‍સઓફિસ પર આ વર્ષના અંત પર તેની અસર નોંધપાત્ર રહેશે.''

મિશ્ર પ્રતિસાદ સાથે સાઉથની ફિલ્‍મો છવાયેલી રહી

બોલિવૂડને તો નવી ઊર્જા મળી જ છે, સામે સાઉથની ઇન્‍ડસ્‍ટ્રીમાં આવતી તમિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમ ફિલ્‍મો પણ સ્‍થિર ગતિએ પણ થોડી ઉપર-નીચે થતી રહી છે. રમેશ બાલાના જણાવ્‍યા અનુસાર, ‘‘આ વર્ષે સાઉથ ઇન્‍ડિયન ફિલ્‍મ બોક્‍સક ઓફિસ પર વ્‍યાજબી પ્રદર્શન કરતી રહી છે. પછી તે કંતારા ચેપ્‍ટર ૧ જેવી ધોમ કમાણી કરનારી કન્નડા ફિલ્‍મ હોય કે પછી ‘કૂલી' અને ‘ગૂડ બેડ ગાય' જેવી તમિલ ફિલ્‍મ હોય, કે પછી મલયાલમ ફિલ્‍મ ‘લોકા' કે તેલુગુ ફિલ્‍મ ‘ધે કોલ હિમ ઓજી' હોય. ૨૦૨૩ અને ૨૦૨૪થી અલગ આ વર્ષે ‘પુષ્‍પા' કે ‘બાહુબલી' જેવી કોઈ મોટી ફિલ્‍મ તો ન આવી પરંતુ દરેક પ્રાદેશિક ઇન્‍ડસ્‍ટ્રીની પોતાની સફળ ફિલ્‍મ જરૂર રહી છે.

આ વર્ષમાં સૌથી વધુ

કમાણી કરનારી ફિલ્‍મો

કાંતારાઃ ચેપ્‍ટર ૧- ૬૧૦.૭૪ (હજુ પણ ચાલુ છે), છાવા - ૬૦૧.૫૪ કરોડ, સૈયારા  - ૩૨૯.૭૨ કરોડ, કૂલી - ૨૮૫.૦૧ કરોડ, મહાવતાર નરસિહા - ૨૫૧.૨૯ કરોડ, વોર ૨ - ૨૩૬.૫૫ કરોડ, ધે કોલ હિમ ઓજી - ૧૯૪.૦૫ કરોડ, સંક્રાન્‍તિકી વાસ્‍થુનમ - ૧૮૬.૯૭ કરોડ, હાઉસફુલ ૫  -૧૮૩.૩૮ કરોડ, રેડ ૨ - ૧૭૩.૪૪ કરોડ, સિતારે જમીન પર - ૧૬૭.૪૬ કરોડ, લોકા ચેપ્‍ટર ૧ - ૧૫૬.૮ કરોડ, ગુડ બેડ અગ્‍લી - ૧૫૩.૭૭ કરોડ, ગેમ ચેન્‍જર - ૧૩૧.૨ કરોડ, થુડારમ - ૧૨૨ કરોડ, થમ્‍મા - ૧૧૯.૯૨ કરોડ, જોલી એલએલબી ૩ - ૧૧૭.૧૯ કરોડ, સ્‍કાય ફોર્સ - ૧૧૩.૬૨ કરોડ, સિકંદર - ૧૧૦.૩૬ કરોડ, એલ૨ એમ્‍પુરાણ - ૧૦૬.૭૭ કરોડ, ડ્રેગન - ૧૦૨.૫૫ કરોડ, મિરાઈ - ૯૪.૮૬ કરોડ, કેસરી ચેપ્‍ટર ૨ - ૧૧૦.૭૬ કરોડ, સુ ફ્રોમ સો - ૯૨.૩૩ કરોડ, ડાકુ મહારાજ - ૯૧.૨૩ કરોડ, જાટ - ૮૮.૭૨ કરોડ, કુબેરા - ૯૦.૯ કરોડ, હરિ હરા વીરા મલ્‍લુ - ૮૭.૨૫ કરોડ, વિદામુયાર્ચી - ૮૦.૫૮ કરોડ, હિટ ધ થર્ડ કેસ - ૮૦.૯૭ કરોડ.

(10:05 AM IST)