<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ગુજરાતી સિનેમાની કમાણી એક દસકામાં બમણીઃ દર્શકો દસગણાં વધ્‍યાં

૨૦૨૫માં ગુજરાતી સિનેમાએ અન્‍ય ભાષાની પ્રાદિશક ફિલ્‍મોને પાછળ છોડીઃ અનેક પડકારો સાથે ગુજરાતી ફિલ્‍મો આજે દેશની સૌથી ઝડપી આગળ વધતી રિજનેલ સિનેમાની ઇન્‍ડસ્‍ટ્રી બની ગઈ છે : લાલો કૃષ્‍ણ સદા સહાયતે, ચણિયા ટોળી, વશ લેવલ ૨, ઓલ ધ બેસ્‍ટ પંડ્‍યા, ઉંબરો, બચુની બેનપણી ....આ ફિલ્‍મોએ દર્શકોને ફરી થિએટર સુધી ખેંચી લાવવામાં મદદ કરી

મુંબઇ તા.૧૮: થોડાં સમય પહેલાં સુધી એવો માહોલ હતો કે કોઈ ભારતીય સિનેમા વાત કરે તો તેનો એક જ અર્થ થતો, હિન્‍દી સિનેમાની ફિલ્‍મ. પછી સ્‍થિતિ થોડી બદલાતી ગઈ અને તમિલ અને તેલુગુ ફિલ્‍મોએ પોતાની જગ્‍યા બનાવી, છેલ્‍લા એક દાયકાથી તો પેન ઇન્‍ડિયા બ્‍લોકબસ્‍ટરનો સમય આવ્‍યો છે. પરંતુ સાઉથની ઇન્‍સ્‍ટ્રીના પ્રભુત્‍વ વચ્‍ચે ગુજરાતી ફિલ્‍મને રાષ્ટ્રિય કક્ષાએ લોકો એક ઇન્‍ડસ્‍ટ્રી તરીકે પણ જોતા નહોતા. પરંતુ અનેક પડકારો સાથે ગુજરાતી ફિલ્‍મો આજે દેશની સૌથી ઝડપી આગળ વધતી રિજનેલ સિનેમાની ઇન્‍ડસ્‍ટ્રી બની ગઈ છે.

ઓર્મેક્‍સ મીડિયાના એક અહેવાલ મુજબ ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીની રેવન્‍યુ ૨૦૧૫માં ૪૬ કરોડથી આજે ૨૦૧૫માં ૧૦૪ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે એક દાયકામાં ડબલથી પણ વધુ છે. માત્ર છેલ્‍લા ત્રણ વર્ષમાં જ ગુજરાતી સિનેમાની કમાણી પંજાબી ઇન્‍ડસ્‍ટ્રી, બંગાળી અને મરાઠી સિનેમાથી આગળ વધી ગઈ છે. થોડાં સમય પહેલાં સુધી ગુજરાતી ઇન્‍ડસ્‍ટ્રીમાંથી બજેટની મર્યાદાઓ, સુવિધાઓની ખામી અને દર્શકો માટે ગુજરાતી ફિલ્‍મના અભિગમના અભાવ જેવા પડકારો અંગે ફરિયાદો આવતી રહી છે.

જો ૨૦૨૫માં રિલીઝ થયેલી ફિલ્‍મો પર નજર નાખીએ તો આ સ્‍થિતિ સ્‍પષ્ટ થઈ જશે, આ યાદી સાબિત કરે છે કે હવે દર્શકો પણ ગુજરાતી ફિલ્‍મને ગંભીરતાથી લેતાં થયાં છે.

લાલો  કૃષ્‍ણ સદા સહાયતે, ચણિયા ટોળી, વશ લેવલ ૨, ઓલ ધ બેસ્‍ટ પંડ્‍યા, ઉંબરો, બચુની બેનપણી  આ ફિલ્‍મોએ દર્શકોને ફરી થિએટર સુધી ખેંચી લાવવામાં મદદ કરી છે, આટલા દર્શકો ઇન્‍ડસ્‍ટ્રીએ પહેલાં ક્‍યારેય જોયાં નથી. તેનાથી પ્રોડ્‍યુસર્સનો વિશ્વાસ પણ વધ્‍યો છે અને ગુજરાતી ફિલ્‍મોમાં પહેલાં જેની ખામી હતી, એવું વૈવિધ્‍ય પણ આવી રહ્યું છે.

જો આ વર્ષની ફિલ્‍મોના આંકડાઓ પર નજર નાખવામાં આવે તો, યશ સોનીની જય બોડાસે ડિરેક્‍ટ કરેલી ફિલ્‍મે ૧૮.૨૯ કરોડની કમાણી કરી છે. કૃષ્‍ણદેવ યાજ્ઞિકની જાનકી બોડિવાલાની ફિલ્‍મ વશ લેવલ ૨એ ૧૩.૬૪ કરોડની કમાણી કરી છે. જ્‍યારે સાત મહિલાઓની લંડનની સફર દર્શાવતી અભિષેક શાહે ડિરેક્‍ટ કરેલી ઉંબરોએ ૧૪.૬૯ કરોડની કમાણી કરી છે. તો મલ્‍હાર ઠાકરની રાહુલ ભોલે અને વિનિત કનોજિયાએ ડિરેક્‍ટ કરેલી ફિલ્‍મ ઓલ ધ બેસ્‍ટ પંડ્‍યાએ ૧૨.૦૭ કરોડની કમાણી કરી છે. તો સિદ્ધાર્થ રાંદેરિયાની વિપુલ મહેતાએ ડિરેક્‍ટ કરેલી ફિલ્‍મ બચુની બહેનપણીએ ૧૨.૦૮ કરોડની કમાણી કરી છે.

લાલો  કૃષ્‍ણ સદા સહાયતે ફિલ્‍મે આ બધી ફિલ્‍મો સાથે કેટલીક હિન્‍દી ફિલ્‍મની કમાણીના રેકોર્ડ પણ તોડી નાખ્‍યા છે. અંકિત સખિયાની ફિલ્‍મે ૬૬ દિવસમાં ૯૩.૦૫ કરોડની કમાણી કરી લીધી છે અને ગુજરાતી ફિલ્‍મની હાલની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્‍મ બની ગઈ છે. જે ૨૦૨૫ની સમગ્ર દેશની ૩૨મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્‍મ બની ગઈ છે. હજુ આ અંતિમ આંકડો નથી, તેની કમાણી દર અઠવાડિયા વધી રહી છે.

છેલ્‍લા દાયકામાં ગુજરાતી ફિલ્‍મોમાં આવેલા પરિવર્તન

ગુજરાતી સિનેમાની લોકપ્રિયતા આકસ્‍મિક નથી, તે ધીરે ધીરે વધી છે.

આજે ગુજરાતી પ્રોડક્‍શન્‍સ શિસ્‍ત અને મહત્‍વાકંક્ષા સાથે ફિલ્‍મને સતત સહકાર આપી રહ્યા છે.

વિવિધ ઓટીટી પ્‍લેટફર્મ પર ગુજરાતી કન્‍ટેન્‍ટ પણ વધી રહ્યું છે, તેથી નેશનલ ઇન્‍ટરનેશનલ દર્શકો સુધી ફિલ્‍મ પહોંચી છે.

નવા ફિલ્‍મ મેકર્સ, એક્‍ટર્સ, ટેક્રિશિયન્‍સ મને લેખકો આત્‍મવિશ્વાસ ને સમજ સાથે ઇન્‍ડસ્‍ટ્રીમાં જોડાઈ રહ્યા છે.

ગુજરાત સરકાર ફિલ્‍મ માટે ૭૫ લાખ સુધીની સબસિજી આપે છે, તેથી ઘણા ફિલ્‍મ મેકર્સ માટે ફિલ્‍મ બનાવવાનું શક્‍ય બન્‍યું છે.

 

(10:12 AM IST)