News of Friday, 19th December 2025
વિશ્વનો નંબર ૧ ગેમ શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન' હવે ભારતમાં: અક્ષય કુમાર કરશે હોસ્ટ
સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા દ્વારા આ શો સોની ટીવી પર પ્રસારીત થશે

મુંબઇ તા. ૧૯: ભારતીય ટેલિવિઝન જગતમાં એક મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને લોકપ્રિય એન્ટરટેઈનમેન્ટ ફોર્મેટ પૈકીના એક ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન'ને ભારત લાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ શોના ભારતીય સંસ્કરણને બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમાર હોસ્ટ કરશે.
વ્હીલ ઓફ ફોર્ચ્યુન એ માત્ર શો નથી, પણ એક વૈશ્વિક ઓળખ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેને વિશ્વના સૌથી લોકપ્રિય ટીવી ગેમ શો તરીકે નવાજવામાં આવ્યો છે. અમેરિકન ટેલિવિઝન પર સૌથી વધુ જોવાયેલા આ શોને ડે ટાઇમ એમીજ્રા એવોર્ડ પણ મળી ચૂકયો છે. હવે આ આંતરરાષ્ટ્રીય જાદુ સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન અને સોની લિવ પર જોવા મળશે.
અક્ષય કુમારનું ટીવી પરનું વર્ચસ્વ જગજાહેર છે. ૨૦૧૯ થી ૨૦૨૫ દરમિયાન તેમની ફિલ્મોના સેટેલાઇટ પ્રીમિયરે ૨.૫ ટીવીઆર સાથે જોરદાર સફળતા મેળવી છે. તેમની આ લોકપ્રિયતા અને ફેન ફોલોઈંગને કારણે જ તેમને આ ભવ્ય શો માટે પસંદ કરવામાં આવ્યા છે. આ શો માત્ર ટીવી પૂરતો મર્યાદિત નહીં રહે. સોની લિવ પર ‘પ્લે અલોંગ' ફીચર દ્વારા દર્શકો પણ ઘરે બેઠા આ રમતનો હિસ્સો બની શકશે. આ એક ઈન્ટરેક્ટિવ અનુભવ હશે જે ૨૦૨૬ના પ્રાઇમ-ટાઇમમાં ધૂમ મચાવવા તૈયાર છે.
નચિકેત પંતવૈદ્ય (બિઝનેસ હેડ, સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન) કહે છે કે અમે હંમેશા ભારતીય દર્શકો માટે અનોખા ફોર્મેટ લાવ્યા છીએ. વ્હીલ ઓફ ફોર્ચ્યુન સાથે અમે વધુ એક ગ્લોબલ ફ્રેન્ચાઇઝી ઉમેરી રહ્યા છીએ જે મનોરંજનની સાથે બ્રાન્ડ્સ માટે પણ મોટું પ્લેટફોર્મ પુરૂ પાડશે. અક્ષય કુમારે કહ્યું કે-વ્હીલ ઓફ ફોર્ચ્યુન લાખો લોકોનો પસંદગીનો શો રહ્યો છે. મને આ શોને ભારતમાં લાવતા ખૂબ જ આનંદ થાય છે. આ પઝલ-સોલ્વિંગ અને રોમાંચક રમત ભારતીય પરિવારોને ચોક્કસ ગમશે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
