News of Saturday, 20th December 2025
સ્પ્લિટ્સવિલા પહેલા જ 'વોર' શરૂ: ઉર્ફી જાવેદ અને નિયા શર્મા વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર જામી જંગ, "અમે એકબીજાને નફરત કરીએ છીએ!"
રિયાલિટી શોના સેટ પરથી શરૂ થયેલી બોલાચાલી સોશિયલ મીડિયા પર વાયરલ; ઉર્ફી અને નિયાની આક્રમક ટિપ્પણીઓએ ચાહકોમાં જગાવી ઉત્તેજના

મુંબઈ : ટીવી જગતના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા'ની આગામી સીઝન શરૂ થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પર મોટો ધમાકો થયો છે. શોમાં 'મિસચીફ મેકર્સ' તરીકે જોવા મળનારી બે બોલ્ડ અભિનેત્રીઓ ઉર્ફી જાવેદ અને નિયા શર્મા વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર જાહેરમાં ટકરાવ થયો છે. તેમની વચ્ચેની આ ગરમાગરમ બોલાચાલીએ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાડી છે અને ચાહકો મૂંઝવણમાં છે કે આ ખરેખર ઝઘડો છે કે માત્ર શો માટેનું કોઈ ગતકડું.
કેવી રીતે શરૂ થઈ આ ટિપ્પણીઓની જંગ?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઉર્ફી જાવેદે સ્પ્લિટ્સવિલાના સેટ પરથી નિયા શર્મા, કરણ કુન્દ્રા અને સની લિયોન સાથેની એક રીલ શેર કરી. આ પોસ્ટ પર એક યુઝરે પૂછ્યું કે, "શું ઉર્ફી અને નિયા વચ્ચેનો જૂનો ઝઘડો હવે પૂરો થઈ ગયો છે?" જેના જવાબમાં ઉર્ફી જાવેદે રોકડું પરખાવતા લખ્યું, "ના, અમે એકબીજાને નફરત કરીએ છીએ." ઉર્ફીના આ બેબાક જવાબથી સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ થઈ ગયું.
નિયા શર્માનો વળતો પ્રહાર
વાત અહીં જ અટકી નહોતી. નિયા શર્માએ પણ આ ટિપ્પણી પર તરત જ વળતો પ્રહાર કર્યો અને ઉર્ફીને જવાબ આપ્યો, "તમારી લેનમાં રહો! કૃપા કરીને." જેના વળતા જવાબમાં ઉર્ફી જાવેદે ફરીથી તીખો પ્રતિભાવ આપતા કહ્યું કે, "બધું જ બંધ કરો." આ પ્રકારે જાહેરમાં એકબીજા પર નિશાન સાધવાથી ચાહકોમાં બે ભાગ પડી ગયા છે. કેટલાક માને છે કે આ બંને સ્પષ્ટવક્તા હોવાથી ખરેખર ઝઘડી રહી છે, જ્યારે અન્ય લોકો તેને રિયાલિટી શોના પ્રમોશનનો ભાગ ગણાવી રહ્યા છે.
શોમાં જોવા મળશે ડબલ ડ્રામા
ઉર્ફી જાવેદ અને નિયા શર્મા બંને પોતાના બિન્દાસ અંદાજ અને નિર્ભય મંતવ્યો માટે જાણીતી છે. ઉર્ફી હાલમાં જ 'ધ ટ્રેટર્સ' જીતીને ચર્ચામાં છે, જ્યારે નિયા શર્મા 'લાફ્ટર શેફ્સ' અને 'નાગિન' જેવા શો દ્વારા ઘરઘરમાં જાણીતી છે. હવે જ્યારે આ બંને સ્પ્લિટ્સવિલામાં 'મિસચીફ મેકર્સ' બનીને સાથે આવવાની છે, ત્યારે આ ઇન્સ્ટાગ્રામ વોર બાદ દર્શકોમાં શો પ્રત્યેની ઉત્સુકતા બેવડાઈ ગઈ છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
