તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st December 2025
રાજામૌલીનો ‘માસ્ટર પ્લાન’ લીક: ૧,૩૦૦ કરોડના ખર્ચે બનશે ‘વારાણસી’ : પ્રિયંકા ચોપરાએ કપિલના શોમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
ભારતીય સિનેમાના ઈતિહાસની બીજી સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે ‘વારાણસી’ : પ્રિયંકા ચોપરાને મળી ૩૦ કરોડની જંગી ફી, મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે રાજામૌલી રચશે નવો ઈતિહાસ : માર્ચ ૨૦૨૭માં બોક્સ ઓફિસ પર ધમાકો કરવા તૈયાર.

મુંબઈ : બાહુબલી’ અને ‘RRR’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપ્યા બાદ દિગ્દર્શક એસ.એસ. રાજામૌલી હવે પોતાની આગામી ફિલ્મ ‘વારાણસી’ દ્વારા ભારતીય સિનેમાની વ્યાખ્યા બદલવા જઈ રહ્યા છે. આ ફિલ્મ અંગેના સૌથી મોટા સમાચાર ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરાએ આપ્યા છે. કપિલ શર્માના શોમાં વાતચીત દરમિયાન પ્રિયંકાએ પુષ્ટિ કરી છે કે આ ફિલ્મનું બજેટ અધધ ૧,૩૦૦ કરોડ રૂપિયા છે. રાજામૌલીએ હૈદરાબાદમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં ફિલ્મની જે ઝલક બતાવી હતી તેણે ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. આ બજેટ સાથે ‘વારાણસી’ રણબીર કપૂરની ‘રામાયણ’ પછી ભારતની બીજી સૌથી મોંઘી ફિલ્મ સાબિત થશે.
ફિલ્મની સ્ટારકાસ્ટ પણ તેના બજેટ જેટલી જ ભવ્ય છે. આ ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ અને મલયાલમ અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પ્રિયંકા ચોપરા લાંબા સમય બાદ આ અખિલ ભારતીય (Pan-India) ફિલ્મ દ્વારા ભારતીય સિનેમામાં કમબેક કરી રહી છે. અહેવાલો અનુસાર, પ્રિયંકાને આ ફિલ્મ માટે ૩૦ કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી રહી છે, જે તેને ભારતની સૌથી મોંઘી અભિનેત્રી બનાવે છે. રાજામૌલી આ ફિલ્મ દ્વારા એક એવું ‘સિનેમેટિક વર્લ્ડ’ ઉભું કરી રહ્યા છે જે દર્શકોએ અગાઉ ક્યારેય જોયું નથી, જેના કારણે તેના મેકિંગ પાછળ આટલો મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
‘વારાણસી’ છેલ્લા ઘણા સમયથી પ્રી-પ્રોડક્શન અને શૂટિંગના તબક્કામાં છે. ફિલ્મની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નિર્માતાઓએ ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને સેટ્સ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનિકનો ઉપયોગ કર્યો છે. જોકે આ ફિલ્મની રિલીઝ માટે ચાહકોએ લાંબી રાહ જોવી પડશે, કારણ કે તે માર્ચ ૨૦૨૭માં સિનેમાઘરોમાં આવવાની શક્યતા છે. રણબીર કપૂરની ‘રામાયણ’ના બંને ભાગોનું બજેટ ૪,૦૦૦ કરોડ છે, ત્યારે રાજામૌલીની આ ૧,૩૦૦ કરોડની ફિલ્મ બોક્સ ઓફિસ પર કયા નવા રેકોર્ડ સર્જે છે તેના પર સમગ્ર વિશ્વની નજર છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
