<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ચેન્નાઈ એરપોર્ટ પર થલાપતિ વિજય સાથે મોટી દુર્ઘટના ટળી: ચાહકોના પ્રચંડ ધસારામાં સુપરસ્ટાર લથડ્યા અને નીચે પડી ગયા, સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા

મલેશિયાથી ‘જાના નાયગન’ના ઓડિયો લોન્ચ બાદ પરત ફરતી વખતે સર્જાઈ અફરાતફરી; સેલ્ફી લેવાના ક્રેઝમાં ભાન ભૂલેલા ટોળાએ પ્રિય અભિનેતાને ઘેરી લેતા સર્જાયા દ્રશ્યો, સદનસીબે વિજયનો આબાદ બચાવ

ચેન્નાઈ, તા.૨૯ : તમિલ સિનેમાના સુપરસ્ટાર અને ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) ના પ્રમુખ થલાપતિ વિજય રવિવારે રાત્રે એક ભયાનક પરિસ્થિતિમાંથી માંડ બચ્યા હતા. મલેશિયામાં પોતાની કારકિર્દીની છેલ્લી ફિલ્મ ‘જાના નાયગન’ (Jana Nayagan) ના ઓડિયો લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરેલા વિજયનું સ્વાગત કરવા ચેન્નાઈ એરપોર્ટ પર ચાહકોનું કીડીયારું ઉભરાયું હતું. જોકે, આ ઉત્સાહ તે સમયે ચિંતામાં ફેરવાઈ ગયો જ્યારે ભીડના દબાણને કારણે વિજય સંતુલન ગુમાવી બેઠા અને જમીન પર પડી ગયા હતા.
અંધાધૂંધી અને ભયના દ્રશ્યો
જેવા વિજય એરપોર્ટના ટર્મિનલની બહાર નીકળ્યા, હજારોની સંખ્યામાં ઉમટેલા ચાહકો તેમની એક ઝલક મેળવવા અને સેલ્ફી લેવા માટે સુરક્ષા કવચ તોડીને આગળ ધસી આવ્યા હતા. પોતાની કાર સુધી પહોંચવાની મથામણમાં વિજય ભારે ભીડમાં ફસાયા હતા. આ ધક્કામુક્કીમાં અભિનેતા ઠોકર ખાઈને નીચે પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, તુરંત જ તેમને ઉભા કરી સુરક્ષિત રીતે કારમાં બેસાડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, સદનસીબે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસર્યો છે, જેનાથી વિજયના લાખો ચાહકોમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે. લોકો સેલિબ્રિટી સુરક્ષા અને ચાહકોના અનિયંત્રિત વર્તન સામે સવાલો ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા બે અઠવાડિયામાં સામંથા રૂથ પ્રભુ અને નિધિ અગ્રવાલ જેવી અભિનેત્રીઓએ પણ આવી જ રીતે ભીડના અસભ્ય વર્તનનો સામનો કરવો પડ્યો હતો.
રાજકીય એન્ટ્રી પહેલાની છેલ્લી ફિલ્મ
થલાપતિ વિજય હવે પૂર્ણકાલીન રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યા છે અને ‘જાના નાયગન’ તેમની છેલ્લી ફિલ્મ માનવામાં આવે છે. એચ. વિનોથ દ્વારા નિર્મિત આ ફિલ્મ ૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પોંગલના અવસરે મોટા પડદે રિલીઝ થવાની છે. રાજકીય મેદાનમાં ઉતરતા પહેલા વિજયની લોકપ્રિયતા અત્યારે ચરમસીમા પર છે, પરંતુ એરપોર્ટ જેવી જાહેર જગ્યાએ સર્જાયેલી આ અંધાધૂંધી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.

(5:48 PM IST)