News of Friday, 9th January 2026
પ્રભાસનો 'રાજા સાબ' અવતાર પડદા પર છવાયો: ₹૪૦૦ કરોડની ફિલ્મ રિલીઝ થતા જ સિક્વલની જાહેરાત, 'જોકર' લૂકમાં જોવા મળશે સુપરસ્ટાર
'ધ રાજા સાબ ૨: સર્કસ ૧૯૩૫' માં જોવા મળશે ભૂતિયા સર્કસનો રોમાંચ; પહેલા ભાગના ક્લાઈમેક્સમાં નિર્માતાઓએ આપ્યું સરપ્રાઈઝ, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્તેજના

મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસના ચાહકો માટે આજનો દિવસ બેવડી ખુશી લઈને આવ્યો છે. એક તરફ પ્રભાસની બહુચર્ચિત હોરર-કોમેડી ફિલ્મ "ધ રાજા સાબ" આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, તો બીજી તરફ ફિલ્મના અંતમાં નિર્માતાઓએ તેની સિક્વલની સત્તાવાર જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. ₹૪૦૦ થી ૪૫૦ કરોડના તોતિંગ બજેટમાં બનેલી આ ફિલ્મનો બીજો ભાગ પણ ટૂંક સમયમાં મોટા પડદા પર દસ્તક આપશે.
મારુતિ દ્વારા નિર્દેશિત આ ફિલ્મની સિક્વલનું નામ "ધ રાજા સાબ ૨: સર્કસ ૧૯૩૫" રાખવામાં આવ્યું છે. ફિલ્મના ટાઇટલ પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વાર્તા ૧૯૩૦ના દાયકાના કોઈ રહસ્યમય અને ભૂતિયા સર્કસની આસપાસ વણાયેલી હશે. સૌથી વધુ ચર્ચા પ્રભાસના નવા લૂકની થઈ રહી છે. સિક્વલની જાહેરાત સાથે પ્રભાસની એક ઝલક બતાવવામાં આવી છે, જેમાં તે પ્રખ્યાત 'જોકર' પાત્રથી પ્રેરિત લૂકમાં જોવા મળી રહ્યો છે.
| આજે રિલીઝ થયેલા પહેલા ભાગને પ્રેક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે ફિલ્મના છેલ્લા ૪૦ મિનિટ અને ક્લાઇમેક્સની સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રશંસા થઈ રહી છે, જેના કારણે સિક્વલ માટેની આતુરતા વધી ગઈ છે. કેટલાક પ્રેક્ષકોએ ફિલ્મના અમુક ભાગને કંટાળાજનક ગણાવ્યો છે, પરંતુ પ્રભાસ અને સંજય દત્તની જોડીને જોવી એ ચાહકો માટે લ્હાવો સાબિત થઈ રહ્યો છે.
દિગ્દર્શક મારુતિએ જણાવ્યું છે કે સિક્વલ એક સાવ નવી વાર્તા હશે અને તે પહેલા ભાગ કરતા પણ વધુ ભવ્ય અને રોમાંચક હશે. પ્રભાસનો સિક્વલમાં લૂક અને ૧૯૩૫નું બેકડ્રોપ આ ફિલ્મને પેન-ઇન્ડિયા લેવલ પર મોટી હિટ બનાવી શકે છે. અત્યારે તો થિયેટરોમાં 'રાજા સાબ' નો જાદુ જોવા માટે ફેન્સ ઉમટી રહ્યા છે
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
