<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

યશના ‘ટોક્સિક’ ટીઝરે સોશિયલ મીડિયા પર મચાવ્યું તોફાન: ૨૪ કલાકમાં ૨૦૦ મિલિયન વ્યૂઝ સાથે ઈતિહાસ રચ્યો, શું ‘ધુરંધર’નો રેકોર્ડ તૂટશે?

‘રાયા’ ના અવતારમાં યશની એન્ટ્રીએ ફેન્સને ઘેલા કર્યા; નયનતારા અને કિયારા અડવાણી સહિતના સ્ટાર્સથી સજ્જ ફિલ્મ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં ગજવશે ડંકો

બેંગ્લોર: ‘KGF’ ફેમ રોકિંગ સ્ટાર યશ ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાકો કરવા તૈયાર છે. તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’ (Toxic) નું ટીઝર રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયું છે. આ ટીઝરે રિલીઝના માત્ર ૨૪ કલાકમાં જ ૨૦૦ મિલિયન (૨૦ કરોડ) થી વધુ વ્યૂઝ મેળવીને ભારતીય સિનેમાના તમામ મોટા કલાકારોની ઊંઘ ઉડાડી દીધી છે.
 લગભગ ૨ મિનિટ અને ૫૧ સેકન્ડના આ ટીઝરમાં યશ ‘રાયા’ નામના પાત્રમાં જોવા મળે છે. ટીઝરના અંતમાં યશની એન્ટ્રી કોઈ તોફાનથી ઓછી નથી. યશની આ અનોખી સ્ટાઈલ અને ડાર્ક થીમ જોઈને ચાહકોમાં ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. વર્ષ ૨૦૨૨માં ‘KGF: ચેપ્ટર ૨’ બાદ યશ આશરે ચાર વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે, જેના કારણે આ ફિલ્મને લઈને જબરદસ્ત હાઈપ જોવા મળી રહી છે.
 આ ફિલ્મમાં માત્ર યશ જ નહીં, પરંતુ ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારોની ફોજ જોવા મળશે. ફિલ્મમાં નયનતારા, કિયારા અડવાણી, તારા સુતારિયા, હુમા કુરેશી અને ટોવિનો થોમસ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ‘ટોક્સિક’ મૂળ કન્નડ અને અંગ્રેજીમાં શૂટ કરવામાં આવી છે, જેને હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ સહિતની અનેક ભાષાઓમાં ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ રિલીઝ કરવામાં આવશે.
 ફિલ્મ વિવેચકો અત્યારથી જ અટકળો લગાવી રહ્યા છે કે યશની આ ફિલ્મ ૨૦૨૫ની સૌથી મોટી ફિલ્મ ‘ધુરંધર’ ને પાછળ છોડી શકે છે. ટીઝરના આંકડા જોઈને લાગે છે કે યશની લોકપ્રિયતા હવે માત્ર દક્ષિણ ભારત પૂરતી સીમિત નથી રહી, પણ તે વૈશ્વિક સ્તરે એક મોટું નામ બની ગયો છે. ૨૦૦૮માં પોતાની કારકિર્દી શરૂ કરનાર યશ હવે ભારતીય બોક્સ ઓફિસનો નવો સુલતાન બનવા તરફ અગ્રેસર છે.

(9:13 PM IST)