<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

૩૦૦ ફિલ્મો પણ ક્યારેય પરપુરુષને સ્પર્શ ન કર્યો: શોલેની એ 'મૌસી' જેમણે રૂઢિચુસ્ત મર્યાદાઓમાં રહીને બોલીવુડ પર રાજ કર્યું; ૧૨ વર્ષની ઉંમરે થયા હતા લગ્ન

૧૭ વર્ષે બે બાળકોની માતા બની ગયા હતા લીલા મિશ્રા, ફિલ્મોમાં હીરોઈન બનવા સામે મૂકી હતી એવી શરત કે ડાયરેક્ટરો પણ માથું ખંજવાળતા રહી ગયા - જાણો સિનેમાની 'યુનિવર્સલ કાકી'ની સંઘર્ષગાથા

 નવી દિલ્હી:હિન્દી સિનેમાની અમર ફિલ્મ 'શોલે'નું નામ પડતા જ ગબ્બર અને જય-વીરુ યાદ આવે, પણ પેલા 'મૌસી'ને કોણ ભૂલી શકે જે પોતાના તીખા સંવાદોથી વીરુની શાન ઠેકાણે લાવતા હતા? આ પાત્ર ભજવનાર દિગ્ગજ અભિનેત્રી લીલા મિશ્રાની અસલી જિંદગી કોઈ ફિલ્મથી કમ નથી. એક જમીનદાર પરિવારમાં જન્મેલી આ દીકરીએ ક્યારેય વિચાર્યું નહોતું કે તે રૂપેરી પડદે 'બોલીવુડની ફેવરિટ કાકી' તરીકે ઓળખાશે.
 લીલા મિશ્રાના જીવનમાં સંઘર્ષ ખૂબ વહેલો શરૂ થયો હતો. માત્ર ૧૨ વર્ષની કુમળી વયે તેમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. જે ઉંમરે બાળકો ભણતા હોય, તે ઉંમરે તેમના માથે સંસારની જવાબદારી આવી પડી અને ૧૭ વર્ષની ઉંમરે તો તેઓ બે બાળકોની માતા પણ બની ચૂક્યા હતા. તેમના પતિ રામપ્રસાદ મિશ્રા પોતે અભિનેતા હતા, જેમના કારણે લીલાજીનો પરિચય ફિલ્મી દુનિયા સાથે થયો.
જ્યારે દાદાસાહેબ ફાળકેની કંપનીના મામા શિંદેએ તેમને અભિનય કરવાની ઓફર આપી, ત્યારે લીલાજીએ એક એવી શરત મૂકી જે આજના ગ્લેમર જગતમાં કલ્પના બહારની લાગે. તેમણે સ્પષ્ટ કીધું હતું કે, "હું ફિલ્મોમાં કામ તો કરીશ, પણ ક્યારેય કોઈ પરપુરુષ અભિનેતાને સ્પર્શ કરીશ નહીં કે તેની સાથે રોમાન્સ નહીં કરું." આ શરતને કારણે તેમણે હીરોઈન બનવાની અનેક મોટી ઓફરો ઠુકરાવી દીધી હતી.
 સેટ પર જ્યારે તેઓ પહેલીવાર માથા પર પલ્લુ ઓઢીને આવ્યા ત્યારે લોકોએ તેમની મજાક ઉડાવી હતી, પણ લીલાજીએ પોતાની મર્યાદાઓ સાથે ક્યારેય સમાધાન ન કર્યું. પરિણામ એ આવ્યું કે ડાયરેક્ટરો તેમને કાકી, માસી કે દાદીના પાત્રો જ આપવા લાગ્યા. 'શોલે'ની મૌસી હોય કે અન્ય ૨૦૦-૩૦૦ ફિલ્મોમાં માતાનું પાત્ર, લીલા મિશ્રાએ સાબિત કરી દીધું કે પલ્લુ કાઢ્યા વગર કે ગ્લેમરસ દેખાયા વગર પણ અભિનયના દમ પર અમર થઈ શકાય છે.

(10:51 PM IST)