<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

મોહનલાલની ‘L367’ બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ: 1000 કરોડના ક્લબ પર નજર, નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર સાથે મિલાવ્યા હાથ

પોસ્ટરમાં છુપાયેલું છે ‘થ્રિલર’નું રહસ્ય: ડ્રશ્યમ-3 અને પેટ્રિઅટ પછી લાલલેટનનો નવો જાદુ, શું આ ફિલ્મ સાઉથ સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખશે?

કોચી:મલયાલમ સિનેમાના ‘ધ કમ્પ્લીટ એક્ટર’ મોહનલાલ અત્યારે રોકાયા વગર એક પછી એક મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી રહ્યા છે. હજુ તો તેમની ફિલ્મ L366 નું શૂટિંગ શરૂ થયું છે, ત્યાં જ પ્રજાસત્તાક પર્વના શુભ અવસરે તેમણે પોતાની 367મી ફિલ્મ ‘L367’ નું સત્તાવાર એનાઉન્સમેન્ટ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘મેપ્પડિયાં’ ના ડાયરેક્ટર વિષ્ણુ મોહન આ પ્રોજેક્ટનું સુકાન સંભાળવાના છે. સોશિયલ મીડિયા પર આ જાહેરાત થતાની સાથે જ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 1000 કરોડનો આંકડો પાર કરનારી મલયાલમ સિનેમાની પહેલી ફિલ્મ બનશે?

ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરાયું નથી, પરંતુ રિલીઝ થયેલા પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. પોસ્ટરમાં એક હાઈવેનો એરિયલ વ્યુ બતાવવામાં આવ્યો છે, જેમાં એક તરફ વાહનોની લાંબી કતાર ટ્રાફિકમાં ફસાયેલી છે, જ્યારે બીજી તરફ માત્ર એક જ કાર ખુલ્લા રસ્તા પર વિરુદ્ધ દિશામાં પૂરપાટ ઝડપે દોડી રહી છે. આ પોસ્ટર જ સંકેત આપે છે કે આ ફિલ્મની વાર્તા અત્યંત ગહન, વિચારપ્રેરક અને કંઈક અલગ રસ્તે જનારી હશે. વિષ્ણુ મોહન પોતાની પાવરફુલ વાર્તા કહેવાની શૈલી માટે જાણીતા છે, ત્યારે મોહનલાલ જેવો દિગ્ગજ અભિનેતા તેમની સાથે જોડાતા આ પ્રોજેક્ટનું કદ અનેકગણું વધી ગયું છે.

શ્રી ગોકલમ મૂવીઝના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં માત્ર સાઉથના જ નહીં, પણ બોલિવૂડ અને આંતરરાષ્ટ્રીય સ્તરના ટેકનિશિયન્સ અને કલાકારો જોવા મળે તેવી શક્યતા છે. મોહનલાલ માટે વર્ષ 2026 અત્યંત મહત્વનું સાબિત થવાનું છે. તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દ્રશ્યમ 3’ આગામી 2 એપ્રિલ, 2026 ના રોજ રિલીઝ થવાની છે, જ્યારે મલ્ટીસ્ટારર જાસૂસી ફિલ્મ ‘પેટ્રિઅટ’ (જેમાં મામૂટી પણ છે) 23 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં આવશે. આટલી મોટી ફિલ્મોની હારમાળા વચ્ચે ‘L367’ ની જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે મોહનલાલ અત્યારે પોતાના કરિયરના સુવર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

વિષ્ણુ મોહને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પોતે જ લખી છે અને અફવાઓ મુજબ આ વાર્તા ભારત સરકારના ‘ઓપરેશન ગંગા’ (યુક્રેન યુદ્ધ વખતે ભારતીયોને બચાવવાનું મિશન) પર આધારિત હોઈ શકે છે, જોકે હજુ સુધી નિર્માતાઓએ આ અંગે મૌન સેવ્યું છે. મોહનલાલે પોતાની પોસ્ટમાં ચાહકોના આશીર્વાદ માંગતા જણાવ્યું કે તેઓ આ નવા પ્રોજેક્ટ માટે અત્યંત ઉત્સાહિત છે. હવે જોવાનું એ રહેશે કે ‘જ્યોર્જકુટ્ટી’ તરીકે ‘દ્રશ્યમ 3’ માં જાદુ બતાવ્યા બાદ, મોહનલાલ વિષ્ણુ મોહનના નિર્દેશનમાં કેવો નવો અવતાર ધારણ કરે છે.

(11:36 PM IST)