તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
બોલિવૂડનો સૌથી મોટો ‘કોમેડી ડોઝ’: ‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષય કુમાર સાથે 30થી વધુ સ્ટાર્સની ફોજ!
26 જૂને રિલીઝ થશે ‘વેલકમ 3’: અક્ષય-રવિનાની આઈકોનિક જોડી ફરી દેખાશે, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ પણ મચાવશે ધમાલ

મુંબઈ : કોમેડી ફિલ્મોના શોખીનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અક્ષય કુમારની સુપરહિટ ફ્રેન્ચાઇઝી 'વેલકમ'નો ત્રીજો ભાગ એટલે કે 'વેલકમ ટુ ધ જંગલ' (Welcome To The Jungle) ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. નિર્માતાઓએ મંગળવારે જાહેરાત કરી છે કે આ મલ્ટી-સ્ટારર ફિલ્મ 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. અહમદ ખાનના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મ હાસ્યના તમામ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે.
આ ફિલ્મની સૌથી ખાસ વાત તેની ‘સ્ટાર કાસ્ટ’ છે. ભાગ્યે જ કોઈ એવી બોલિવૂડ ફિલ્મ હશે જેમાં એકસાથે 30થી વધુ જાણીતા કલાકારો જોવા મળે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સુનીલ શેટ્ટી, સંજય દત્ત, રવિના ટંડન, દિશા પટણી, જેકલીન ફર્નાન્ડીઝ, પરેશ રાવલ, અરશદ વારસી અને જોની લીવર જેવા દિગ્ગજો જોવા મળશે. આ ઉપરાંત રાજપાલ યાદવ, કીકુ શારદા અને કૃષ્ણા અભિષેક જેવા કોમેડિયન પણ પ્રેક્ષકોને હસાવવા માટે સજ્જ છે.
જૂની યાદો તાજી થઈ: કેટરિનાને અક્ષયની ખાસ સલામ
ફિલ્મના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે દિશા પટણી સાથે 'વેલકમ'ના લોકપ્રિય ગીત "ઊંચા લાંબા કદ" પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. અક્ષયે પોતાની પોસ્ટમાં 'વેલકમ'ની ઓરિજિનલ હિરોઈન કેટરિના કૈફને યાદ કરતા તેને ‘ક્વીન’ કહીને સંબોધી હતી. આ નોસ્ટાલ્જિક પોસ્ટ જોઈને ફેન્સ પણ ભાવુક થયા હતા.
નોંધનીય છે કે 2007માં રિલીઝ થયેલી ‘વેલકમ’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી, ત્યારબાદ 2015માં ‘વેલકમ બેક’ આવી હતી. હવે 10 વર્ષ બાદ આ ત્રીજો ભાગ આવી રહ્યો છે. જોકે આ વખતે અનિલ કપૂર (મજનુ ભાઈ) અને નાના પાટેકર (ઉદય શેટ્ટી) આ ફિલ્મનો ભાગ નથી, જેની ચાહકોને કમી જરૂર ખલશે. તેમ છતાં, સ્ટાર્સની આ વિશાળ ફોજ અને જંગલની થીમ પર આધારિત કોમેડી જૂન મહિનામાં બોક્સ ઓફિસ પર તોફાન લાવશે તે નક્કી છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
