News of Wednesday, 28th January 2026
અરિજિત સિંહના ચાહકો માટે મોટા સમાચાર: પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ કાયમી નથી, પરંતુ એક વર્ષનો 'બ્રેક' છે!
સંગીતની દુનિયા ગજવ્યા બાદ હવે દિગ્દર્શનમાં અજમાવશે નસીબ; સર્જનાત્મક સંતોષ અને નવા કલાકારોને તક આપવા લીધો મોટો નિર્ણય.

મુંબઈ, તા. 28 : બોલીવુડના સુપરસ્ટાર ગાયક અરિજિત સિંહે જ્યારે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે આખું મનોરંજન જગત આઘાતમાં સરી પડ્યું હતું. જોકે, હવે આ મામલે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ, અરિજિતની આ નિવૃત્તિ કાયમી નથી, પરંતુ તે માત્ર એક વર્ષ માટે ફિલ્મી પડદા પાછળ રહીને કંઈક નવું કરવા માંગે છે.
હવે માઈક છોડીને કેમેરા સંભાળશે અરિજિત
અરિજિત સિંહ લાંબા સમયથી ફિલ્મ દિગ્દર્શન (Direction) ક્ષેત્રે પદાર્પણ કરવા માટે ઉત્સાહી હતા. પ્લેબેક સિંગિંગની સતત વ્યસ્તતાને કારણે તેઓ પોતાના આ સપના પર ધ્યાન આપી શકતા નહોતા. હવે, એક વર્ષના વિરામ દરમિયાન તેઓ પોતાની પ્રથમ ફિલ્મનું નિર્દેશન પૂર્ણ કરશે. આ સમાચારથી તેમના ચાહકોમાં નિરાશાની સાથે એક નવી ઉત્સુકતા પણ જોવા મળી રહી છે.
કેમ લીધો આટલો મોટો નિર્ણય?
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દિલ ખોલીને વાત કરતા અરિજિતે જણાવ્યું કે, "હું એક જ પ્રકારના કામથી થાકી ગયો છું. મારે સર્જનાત્મક રીતે ખીલવા માટે નવા સંગીત અને માધ્યમોની શોધ કરવાની જરૂર છે." વધુમાં તેમણે ઉમેર્યું કે, તેઓ ઉદ્યોગમાં નવી પ્રતિભાઓને આગળ વધતા જોવા માંગે છે અને તેમના માટે જગ્યા બનાવવા માંગે છે.
લાઇવ કોન્સર્ટ ચાલુ રહેશે
ચાહકો માટે સૌથી મોટા આનંદના સમાચાર એ છે કે ભલે અરિજિત ફિલ્મોમાં ગીતો ગાવાનું બંધ કરે, પણ તેમના 'લાઇવ પર્ફોર્મન્સ' અને સ્વતંત્ર સંગીત (Independent Music) ચાલુ રહેશે. એટલે કે, સ્ટેજ પર તેમની જાદુઈ અવાજનો જાદુ ઓસરી જશે નહીં. સલમાન ખાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું 'માતૃભૂમિ' ગીત હાલમાં તેમનું છેલ્લું પ્લેબેક રિલીઝ માનવામાં આવી રહ્યું છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
