<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

શબ્દોની જરૂર નથી, હવે આંખો વાત કરશે: અદિતિ રાવ હૈદરીની 'ગાંધી ટોક્સ' મચાવશે ધૂમ

એક દાયકા બાદ ભારતીય સિનેમામાં 'મૂક' ફિલ્મનો રોમાંચ; વિજય સેતુપતિ અને એ.આર. રહેમાનના સંગીત સાથે અદિતિ આપશે અભિનયનો અદભૂત નમૂનો

મુંબઈ, : બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક અદિતિ રાવ હૈદરી હંમેશા ચીલાચાલુ ફિલ્મોથી દૂર રહીને કંઈક અલગ કરવા માટે જાણીતી છે. આ વખતે તે તેની આગામી ફિલ્મ 'ગાંધી ટોક્સ' (Gandhi Talks) સાથે એક સાહસિક કદમ ઉઠાવી રહી છે. આ એક 'સાયલન્ટ' એટલે કે મૂક ફિલ્મ છે, જેમાં એક પણ સંવાદ (Dialogue) નથી. આ ફિલ્મમાં અદિતિ શબ્દોના સહારો લીધા વિના માત્ર પોતાની આંખો, ચહેરાના હાવભાવ અને લાગણીઓ દ્વારા વાર્તા કહેતી જોવા મળશે.
અભિનયની આકરી કસોટી
કોઈપણ અભિનેતા માટે સંવાદ વગર અભિનય કરવો એ સૌથી મોટો પડકાર હોય છે, કારણ કે ત્યાં અવાજ પાછળ છુપાવાની કોઈ જગ્યા હોતી નથી. અદિતિએ આ પડકારને હોંશે હોંશે સ્વીકાર્યો છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે સ્ક્રીન શેર કરી રહી છે. ટ્રેલરમાં બંને વચ્ચેની કેમેસ્ટ્રી અને મૌન દ્વારા વ્યક્ત થતી વાર્તાએ પ્રેક્ષકોમાં ભારે કુતૂહલ જગાડ્યું છે.
દિગ્ગજોનો સાથ અને સંગીતનો જાદુ
કિશોર પાંડુરંગ બેલેકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સંગીત સમ્રાટ એ.આર. રહેમાનનું સંગીત છે. મૂક ફિલ્મમાં સંગીત જ આત્મા સમાન હોય છે અને રહેમાનના સૂરો ફિલ્મની દરેક લાગણીને વધુ ઊંડાણ આપે છે. અદિતિની ફિલ્મી સફર પર નજર કરીએ તો 'ગાંધી ટોક્સ' જેવો પ્રયોગ તેના માટે એક કુદરતી વળાંક લાગે છે.
આ ફિલ્મ આવતીકાલે એટલે કે 30 જાન્યુઆરી, 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે શબ્દો વિનાની આ વાર્તા દર્શકોના હૃદયને કેટલી સ્પર્શે છે.

(5:56 PM IST)