હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોવિંદાનું ‘પતન’ કે સાદગી? લક્ઝરી કાર છોડી ટેક્સીમાં મુસાફરી કરતા સુપરસ્ટારનો વીડિયો વાઈરલ!
BMW અને મર્સિડીઝમાં ફરતા ‘ચિચી’ને ઉત્તર પ્રદેશના રસ્તાઓ પર સાદી ‘ઓરા’ કારમાં જોઈ ફેન્સ ચોંક્યા: સોશિયલ મીડિયા પર ટ્રોલીંગ અને સમર્થનનો જંગ

લખનઉ :90ના દાયકામાં બોક્સ ઓફિસ પર એકહથ્થુ શાસન કરનાર સુપરસ્ટાર ગોવિંદા હાલમાં એક વાઈરલ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉત્તર પ્રદેશના રસ્તાઓ પર શૂટ થયેલા આ વીડિયોમાં ગોવિંદા કોઈ મોંઘીદાટ લક્ઝરી કારને બદલે એક સામાન્ય હ્યુન્ડાઈ ઓરા ટેક્સીમાં બેસતા જોવા મળે છે. જે અભિનેતા હંમેશા BMW અને મર્સિડીઝ જેવી ગાડીઓના કાફલામાં જોવા મળતો હતો, તેને આવી સામાન્ય ટેક્સીમાં જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ગોવિંદા એક બિલ્ડિંગમાંથી બહાર નીકળે છે, હસીને એક ચાહક સાથે સેલ્ફી લે છે અને ત્યારબાદ ત્યાં ઉભેલી ટેક્સીમાં બેસીને રવાના થઈ જાય છે. નોંધવા જેવી વાત એ છે કે આ કાર પર "ભારત સરકાર" લખેલું હતું, જે સંકેત આપે છે કે કદાચ તેઓ કોઈ સરકારી મહેમાન તરીકે અથવા ફિલ્મના શૂટિંગ માટે ત્યાં હાજર હતા. જોકે, સોશિયલ મીડિયા પર લોકોએ આ વીડિયોને અલગ-અલગ દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કરી દીધું છે.
‘પતન’ કે ‘નમ્રતા’?: ગોવિંદાના આ અંદાજ પર નેટીઝન્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે:
કેટલાક યુઝર્સે આ વીડિયોને ગોવિંદાની કારકિર્દીનું 'પતન' ગણાવ્યું છે. એક યુઝરે લખ્યું, "જે માણસ ક્યારેય મર્સિડીઝથી નીચે વાત નહોતો કરતો, તે આજે આવી ગાડીઓમાં ફરે છે, સમય ખરેખર બળવાન છે." અન્ય એકે લખ્યું કે, "ચિચીનો યુગ હવે પૂરો થયો છે."
બીજી તરફ, ગોવિંદાના સાચા ફેન્સ તેને તેની 'સાદગી' અને 'નમ્રતા' ગણાવી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, "આ પતન નથી, પણ જમીન સાથે જોડાયેલા હોવાની ઓળખ છે. સ્ટારડમ માથા પર ચડી જાય તેના કરતા સાદગીથી જીવવું વધુ સારું છે."
ગોવિંદા ભલે છેલ્લા કેટલાક સમયથી મોટા પડદા પર મુખ્ય ભૂમિકાઓમાં ઓછા જોવા મળતા હોય, પરંતુ તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. લગ્ન પ્રસંગો હોય કે રિયાલિટી શો, ગોવિંદાની હાજરી આજે પણ વાતાવરણમાં ઉત્સાહ ભરી દે છે. આ વીડિયો તેમની આર્થિક સ્થિતિ દર્શાવે છે કે તેમની બદલાયેલી જીવનશૈલી, તે તો સમય જ કહેશે, પણ હાલ તો 'હીરો નંબર વન' ફરી એકવાર ઈન્ટરનેટ પર છવાયેલા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
