<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

બોક્સ ઓફિસ પર સની પાજીનો 'ગદર' મિજાજ: 'બોર્ડર 2' એ 9 દિવસમાં 250 કરોડનો આંકડો વટાવ્યો!

બીજા સપ્તાહમાં પણ ફિલ્મની સુનામી યથાવત; વર્લ્ડવાઈડ 300 કરોડની કમાણી સાથે બ્લોકબસ્ટર બનવા તરફ અગ્રેસર

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર 2' અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. પ્રજાસત્તાક પર્વના અવસરે રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર 9 દિવસમાં જ બોક્સ ઓફિસના સમીકરણો બદલી નાખ્યા છે. સની પાજીની ગર્જના અને દેશભક્તિના રંગે રંગાયેલા દર્શકોના કારણે ફિલ્મ હવે 250 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે અને ખૂબ જ ટૂંક સમયમાં ઓલ-ટાઇમ બ્લોકબસ્ટરની યાદીમાં સ્થાન મેળવવા જઈ રહી છે.

9મા દિવસે કલેક્શનમાં જોરદાર ઉછાળો

ફિલ્મની કમાણીની વાત કરીએ તો, 'બોર્ડર 2' એ બીજા શુક્રવારે (8મા દિવસે) ₹10.75 કરોડની કમાણી કરી હતી, પરંતુ શનિવારે (9મા દિવસે) વીકેન્ડનો લાભ મળતા કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. શનિવારે ફિલ્મે અંદાજે ₹16.03 કરોડનું કલેક્શન કર્યું છે, જેની સાથે ભારતનું કુલ કલેક્શન ₹251.03 કરોડ પર પહોંચી ગયું છે. ટ્રેડ એનાલિટ્સનું માનવું છે કે રવિવારના કલેક્શન બાદ આ આંકડો હજુ વધુ પ્રભાવશાળી બનશે.

પ્રજાસત્તાક દિને સર્જ્યો હતો ઇતિહાસ

ફિલ્મ માટે પ્રજાસત્તાક દિવસ 'ગોલ્ડન ડે' સાબિત થયો હતો, જેમાં એક જ દિવસમાં ફિલ્મે ₹59 કરોડની ઐતિહાસિક કમાણી કરી હતી. સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની જુગલબંધી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ગ્લોબલ માર્કેટમાં પણ ફિલ્મનો દબદબો છે અને વિશ્વભરમાં તેનું કુલ કલેક્શન ₹300 કરોડનો આંકડો પાર કરી ચૂક્યું છે.

300 કરોડનો લક્ષ્યાંક હવે દૂર નથી

ફિલ્મ જે ગતિએ આગળ વધી રહી છે તે જોતા એવું લાગે છે કે બીજા અઠવાડિયાના અંત સુધીમાં 'બોર્ડર 2' માત્ર ભારતમાં જ ₹300 કરોડના આંકડાને સ્પર્શી જશે. 68 વર્ષની ઉંમરે પણ સની દેઓલનો આ ક્રેઝ જોઈને આખું બોલિવૂડ આશ્ચર્યચકિત છે. ફિલ્મના નિર્માતા અને કલાકારો આ શાનદાર સફળતાની ઉજવણીમાં ડૂબેલા છે.

(11:43 PM IST)