<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગઃ બિશ્નોઈ ગેન્‍ગે જવાબદારી સ્‍વીકારી

આ નાનું ટ્રેલર છે, અમારી વાત ન માની તો હવે અંદર તેના બેડરૂમમાં ગોળી ચાલશે છાતી પરઃ આપી ધમકી : બોલીવુડને પણ ચેતવણી આપીને કહ્યું કે સુધરી જાઓ નહીંતર બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ હાલ કરીશું

મુંબઇ તા.૨: ફિલ્‍મમેકર રોહિત શેટ્ટીના જુહુમાં આવેલા ઘરની બહાર થયેલા ફાયરિગની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. રિપોર્ટ મુજબ આરોપીઓએ પાંચ રાઉન્‍ડ ફાયરિગ કર્યું હતું અને એ સમયે રોહિત શેટ્ટી ઘરમાં જ હતો. મામલાની ગંભીરતા જોતાં આ કેસ મુંબઈ ક્રાઇમ બ્રાન્‍ચને સોંપવામાં આવ્‍યો છે અને રોહિત શેટ્ટીનું નિવેદન પણ નોંધવામાં આવ્‍યું છે. આ ગોળીબારની જવાબદારી કુખ્‍યાત લોરેન્‍સ બિશ્નોઈ ગેન્‍ગે લીધી છે. સોશ્‍યલ મીડિયા પર લોરેન્‍સ બિશ્નોઈ ગેન્‍ગ દ્વારા કરવામાં આવેલી પોસ્‍ટમાં એ પણ લખવામાં આવ્‍યું છે કે હવે ઘરની બહાર નહીં, સીધી બેડરૂમમાં ગોળી ચાલશે અને છાતી પર વાગશે.

મળતી માહિતી અનુસાર શનિવારે મોડી રાતે ૧૨.૪૫ વાગ્‍યે રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિગની ઘટના બની હતી. ઘટના પછી એ વિસ્‍તારમાં ભારે પોલીસ-બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. પોલીસ-સૂત્રોએ જણાવ્‍યા પ્રમાણે હુમલાખોર બાઇક પર જુહુ પહોંચ્‍યા હતા. એ પછી થોડે દૂર બાઇક ઊભી રાખીને શેટ્ટી ટાવરના પહેલા માળે ગોળીઓ છોડી હતી. આ જગ્‍યા રોહિત શેટ્ટીનું ઘર છે અને જ્‍યાં ગોળી વાગી એ તેનો જિમ-એરિયા હોવાનું કહેવાય છે. હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્‍થળેથી નાસી ગયા હતા.

રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ફાયરિગનો મુદ્દો ચર્ચાનું કારણ બન્‍યો હતો ત્‍યારે લોરેન્‍સ બિશ્નોઈ ગેન્‍ગે આ ફાયરિગની જવાબદારી સ્‍વીકારી લીધી છે અને એ બાબત સોશ્‍યલ મીડિયા પર પોસ્‍ટ કરવામાં આવી છે. સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થયેલી પોસ્‍ટના સ્‍ક્રીનશોટ મુજબ એમાં લખવામાં આવ્‍યું છે, ‘મુંબઈમાં શેટ્ટી ટાવર ખાતે ફિલ્‍મ-ડિરેક્‍ટર રોહિત શેટ્ટીના ઘર પર જે ફાયરિગ થયું છે એની જવાબદારી અમે શુભમ લોણકર, આરઝૂ બિશ્નોઈ, હરિ બોક્‍સર અને હરમન સંધુ લઈ રહ્યા છીએ. અમે તેને ઘણી વાર મેસેજ મોકલ્‍યા કે અમારા કામમાં દખલ ન દે, પણ તે માન્‍યો નહીં. આ એક નાનું ટ્રેલર છે. આગળ પણ જો અમારી વાત ન માની તો હવે ઘરની બહાર નહીં, અંદર તેના બેડરૂમમાં ચાલશે ગોળી તેની છાતી પર.'

આ પોસ્‍ટમાં આગળ લખવામાં આવ્‍યું છે કે ‘બોલીવુડને ચેતવણી છે કે સમય છે તો સુધરી જાઓ નહીં તો હાલત ખરાબ થશે. બાબા સિદ્દીકીથી પણ ખરાબ હાલ કરીશું. જેમને અમે ફોન કર્યા છે તેઓ સમયસર અમારી લાઇન પર આવી જાઓ, નહીંતર સંતાવા માટે જગ્‍યા પણ ઓછી પડશે. અમારા તમામ દુશ્‍મનો તૈયાર રહો, જલદી મુલાકાત થશે. નોંધ  એક જ હતી, એક જ છે અને એક જ રહેશે લોરેન્‍સ બિશ્નોઈ ગેન્‍ગ.'

રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિગ થયા બાદ લોરેન્‍સ બિશ્નોઈ ગ્રુપના શુભમ લોણકર અને અન્‍ય સભ્‍યોએ સોશ્‍યલ મીડિયા પર આ બનાવની જવાબદારી લેતી પોસ્‍ટ શેર કરી હતી.

રોહિત શેટ્ટીના જુહુના રહેઠાણ શેટ્ટી ટાવરની બહાર શનિવારે રાતે બનેલી ફાયરિગની ઘટનાને પગલે વિસ્‍તારમાં ભયનો માહોલ હતો. આ ઘટના બાદ રોહિત શેટ્ટીએ આગામી બે દિવસના તમામ કાર્યક્રમ રદ કરી નાખ્‍યા છે. તેણે નજીકના મિત્રોને વિનંતી કરી છે કે ઓછામાં ઓછા ૪૮ કલાક સુધી ઘરે ન આવતા. હાલમાં રોહિત શેટ્ટી મુંબઈ પોલીસને તપાસમાં સહયોગ આપી રહ્યો છે. અત્‍યારે તેના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તે હવે માત્ર ફોન તથા મેસેજ દ્વારા ઇન્‍ડસ્‍ટ્રીના લોકો સાથે વાત કરી રહ્યો છે.

જુહુ વિસ્‍તારમાં આવેલા ફિલ્‍મમેકર રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ફાયરિગની ઘટનામાં પુણે પોલીસે કુલ પાંચ જણની અટકાયત કરી છે જેને મુંબઈ ક્રાઇમ બ્રાન્‍ચને સોંપવામાં આવ્‍યા છે.

રિપોર્ટ પ્રમાણે પ્રથમ આરોપીનું નામ અમન આનંદ મારોટે છે જેની ઉંમર ૨૭ વર્ષ છે. બીજા આરોપીનું નામ આદિત્‍ય ગાયકી છે જેની ઉંમર ૧૯ વર્ષ છે. ત્રીજા આરોપીનું નામ સિદ્ધાર્થ દીપક યેનપુરે છે અને તેની ઉંમર ૨૦ વર્ષની છે. ચોથા આરોપીનું નામ સમર્થ પોમાજી છે જેની વય ૧૮ વર્ષ છે, જ્‍યારે પાંચમા આરોપીનું નામ સ્‍વપ્નીલ બંડુ સકટ છે જેની ઉંમર ૨૩ વર્ષ છે.

(10:04 AM IST)