<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રણવીર સિંહનો ફરી જોવા મળશે 'ધુરંધર' અંદાજ: હોળીના રંગોમાં ભળશે એક્શનનો તડકો, આ દિવસે રિલીઝ થશે 'ધુરંધર ૨'નું ધમાકેદાર ટ્રેલર!

બોક્સ ઓફિસ પર ૧૩૦૦ કરોડનો આંકડો વટાવ્યા બાદ 'ધુરંધર: ધ રિવન્જ' સાથે વાપસી કરશે રણવીર; મુંબઈના NMACCમાં યોજાશે ભવ્ય ટ્રેલર લોન્ચ ઇવેન્ટ - દક્ષિણના સુપરસ્ટાર યશની 'ટોક્સિક' સાથે થશે સીધી ટક્કર

મુંબઈ : વર્ષ ૨૦૨૫ના અંતમાં સિનેમાઘરોમાં તોફાન મચાવનાર રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'ની સફળતા બાદ હવે તેના બીજા ભાગને લઈને ચાહકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કર્યા બાદ, મેકર્સે હવે 'ધુરંધર: ધ રિવન્જ' ના ટ્રેલર રિલીઝની તારીખ જાહેર કરી દીધી છે. હોળીના તહેવારની આસપાસ જ રણવીર સિંહ પોતાના એક્શન અવતારથી ફરી એકવાર પ્રેક્ષકોને ઘેલું લગાડવા તૈયાર છે.
મનોરંજન જગતના અહેવાલો મુજબ, 'ધુરંધર ૨'નું ટ્રેલર ૫ માર્ચના રોજ રિલીઝ કરવામાં આવશે. આ માટે મુંબઈના બીકેસી સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે એક શાનદાર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ટ્રેલર કંઈક નવું અને રોમાંચક હશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
 આ ફિલ્મ ૧૯ માર્ચના રોજ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે બોક્સ ઓફિસ પર તેની સીધી સ્પર્ધા સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' સાથે થશે. બંને ફિલ્મો વચ્ચેના આ જંગને લઈને અત્યારથી જ સોશિયલ મીડિયા પર ગરમાવો જોવા મળી રહ્યો છે. 'ધુરંધર ૨'માં રણવીર સિંહની સાથે સંજય દત્ત, અર્જુન રામપાલ અને સારા અલી ખાન જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
પહેલા જ અઠવાડિયામાં ૨૦૭ કરોડની કમાણી કરીને ફિલ્મે સાબિત કરી દીધું હતું કે રણવીર સિંહનો જાદુ હજુ પણ બરકરાર છે. હવે જોવાનું એ રહેશે કે શું સિક્વલ પણ આટલી જ સફળતા મેળવી શકશે?

(9:37 PM IST)