News of Thursday, 12th February 2026
રણવીર સિંહનો બોક્સ ઓફિસ પર ‘પ્રલય’: ₹300 કરોડના તોતિંગ બજેટ સાથે બની રહી છે દેશની સૌથી મોટી ઝોમ્બી એક્શન ફિલ્મ; ‘ધુરંધર 2’ બાદ સુપરસ્ટારનો નવો અવતાર
બોલિવૂડમાં પહેલીવાર જોવા મળશે હાઈ-લેવલ VFX અને ઈમોશનલ ફેમિલી ડ્રામાનું કોમ્બિનેશન: જય મહેતાના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મ રણવીરના હોમ પ્રોડક્શનનો પહેલો પ્રોજેક્ટ; દક્ષિણની અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન સાથે જામશે જોડી

મુંબઈ | તા.12: બોલિવૂડના પાવરહાઉસ રણવીર સિંહ અત્યારે તેની કારકિર્દીના સૌથી સુવર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં ‘ધુરંધર’ જેવી બ્લોકબસ્ટર જાસૂસી થ્રિલર આપ્યા બાદ, હવે રણવીર સિંહ ભારતીય સિનેમામાં એક નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે રણવીર હવે ₹300 કરોડના માતબર બજેટમાં બની રહેલી ફિલ્મ ‘પ્રલય’ માં જોવા મળશે. આ એક ઝોમ્બી ડ્રામા ફિલ્મ હશે, જે કોવિડ-19 મહામારીની પૃષ્ઠભૂમિ પર આધારિત મોટા પાયે એક્શન અને લાગણીઓનો સંગમ હશે.
રણવીરની અત્યાર સુધીની સૌથી મોંઘી સોલો ફિલ્મ
‘પ્રલય’ રણવીર સિંહના કરિયરની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મ સાબિત થઈ શકે છે. રિપોર્ટ મુજબ, આ તેની અત્યાર સુધીની સૌથી મોંઘી સોલો ફિલ્મ હશે. આ પ્રોજેક્ટનું નિર્દેશન હંસલ મહેતાના પુત્ર જય મહેતા કરી રહ્યા છે. આ ફિલ્મમાં માત્ર એક્શન જ નહીં, પરંતુ અદભૂત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) નો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. રણવીર આ ફિલ્મમાં માત્ર અભિનેતા તરીકે જ નહીં, પણ પ્રોડ્યુસર તરીકે પણ જોડાયેલા છે. આ તેમના પ્રોડક્શન હાઉસ ‘મા કસમ ફિલ્મ્સ’ હેઠળનો પહેલો પ્રોજેક્ટ છે.
‘ધુરંધર 2’ ની રિલીઝ ડેટ પણ ફાઈનલ
રણવીરના ચાહકો માટે ડબલ ધમાકો છે. ગત 5 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફિલ્મ ‘ધુરંધર’ ની સફળતા બાદ, હવે તેનો બીજો ભાગ ‘ધુરંધર 2’ પણ રિલીઝ માટે તૈયાર છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સિક્વલ 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેમાં અક્ષય ખન્ના, આર. માધવન અને સંજય દત્ત ફરી એકવાર રણવીર સાથે પડદા પર કમાલ કરતા જોવા મળશે.
કલ્યાણી પ્રિયદર્શન સાથે નવી જોડી
ફિલ્મ ‘પ્રલય’ માં રણવીર સિંહ સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે મેકર્સ દ્વારા હજુ સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ આ નવી જોડીને પડદા પર જોવા માટે ચાહકો અત્યારથી જ ઉત્સાહિત છે. આ ફિલ્મનું શૂટિંગ મે અથવા જૂન 2026 માં શરૂ થવાની સંભાવના છે. રણવીર પોતે સ્ક્રિપ્ટથી લઈને VFX પ્લાનિંગ સુધીના દરેક પાસામાં સક્રિયપણે સામેલ છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
