<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

અક્ષય કુમારનો 'રીયલ લાઈફ' ગુસ્સો: જ્યારે એક થપ્પડથી માણસ થઈ ગયો બેભાન, 'ખિલાડી'ને લાગ્યું કે હવે કરિયર ખતમ

પાર્ટીમાં મિત્રનું અપમાન જોઈને અક્ષયે ખોયું હતું નિયંત્રણ; શાર્ક ટેન્કના જજ સામે અભિનેતાએ વર્ષો જૂનું રહસ્ય ખોલતા મચ્યો ખળભળાટ

નવી દિલ્હી: બોલિવૂડમાં પોતાની શિસ્ત અને શાંત સ્વભાવ માટે જાણીતા અક્ષય કુમારે તાજેતરમાં એક એવો ખુલાસો કર્યો છે જે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતા અક્ષયે 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન' શોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ અનુપમ મિત્તલ અને અમન ગુપ્તા સામે કબૂલાત કરી હતી કે, એક સમયે તેમણે એક વ્યક્તિને એટલી જોરથી થપ્પડ મારી હતી કે તે સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. આ ઘટના બાદ અક્ષય કુમાર એટલા ગભરાઈ ગયા હતા કે તેઓ ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યા હતા કે પેલો માણસ બસ જીવતો જાગી જાય, નહીં તો તેમની જિંદગી જેલના સળિયા પાછળ હોત.

આ કિસ્સો એક હાઈ-પ્રોફાઈલ પાર્ટીનો છે, જ્યાં અક્ષય કુમાર તેમના અંગત મિત્ર સાથે ગયા હતા. અક્ષયના જણાવ્યા મુજબ, ત્યાં એક વ્યક્તિ તેના મિત્ર સાથે સતત દુર્વ્યવહાર કરી રહ્યો હતો અને અત્યંત ગંદી ગાળો આપી રહ્યો હતો. અક્ષયે તેને ચાર-પાંચ વાર નમ્રતાથી ચેતવણી આપી, પરંતુ પેલો માણસ અટકવાનું નામ લેતો નહોતો. જ્યારે અપમાન સહનશક્તિની બહાર ગયું, ત્યારે 'માર્શલ આર્ટ્સ'માં એક્સપર્ટ એવા અક્ષયે પોતાનો પિત્તો ગુમાવ્યો અને એક જોરદાર તમાચો તે વ્યક્તિના ગાલ પર જડી દીધો. થપ્પડ એટલી તાકાતવર હતી કે તે વ્યક્તિ જમીન પર પટકાયો અને બેભાન થઈ ગયો.

આ દ્રશ્ય જોઈને આખી પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો હતો. અક્ષયના મિત્ર પણ ડરના માર્યા રડવા લાગ્યા હતા. અક્ષયે પોતે સ્વીકાર્યું કે તે ક્ષણે તેમને પોતાની કારકિર્દી ડૂબતી દેખાઈ રહી હતી. તેમણે તાત્કાલિક તે વ્યક્તિ પર પાણી રેડ્યું અને મનોમન ઈશ્વરને વિનંતી કરી કે તે ભાનમાં આવી જાય. સદનસીબે, થોડી વાર પછી તે વ્યક્તિ ભાનમાં આવ્યો અને અક્ષયના જીવમાં જીવ આવ્યો. અક્ષયે શોમાં અફસોસ સાથે કહ્યું કે તે તેમના જીવનની સૌથી ખરાબ ક્ષણ હતી અને ત્યારપછી તેમણે ક્યારેય કોઈની પર હાથ ઉપાડ્યો નથી. આ કિસ્સો સાબિત કરે છે કે રીલ લાઈફનો આ હીરો રિયલ લાઈફમાં પણ અન્યાય સામે લડી લેવાની હિંમત રાખે છે, ભલે પછી તેનું પરિણામ ગમે તે આવે.

(1:19 PM IST)