તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 15th February 2026
ભૂમિ પેડણેકરનો ફરી જોવા મળશે ખતરનાક અંદાજ: 'દલદલ 2' માટે મેકર્સનો માસ્ટરપ્લાન તૈયાર, સસ્પેન્સનો ડબલ ડોઝ મળશે
ડીસીપી રીટા ફરેરા ફરી એકવાર સીરીયલ કિલરના છક્કા છોડાવશે; નિર્માતા સુરેશ ત્રિવેણીએ સિક્વલના મજબૂત આઈડિયા પરથી ઉંચક્યો પડદો

મુંબઈ: બોલિવૂડની વર્સેટાઈલ અભિનેત્રી ભૂમિ પેડણેકર જ્યારે પડદા પર પોલીસ ઓફિસર બનીને આવે છે, ત્યારે ગુનેગારોના પરસેવા છૂટી જાય છે. એમેઝોન પ્રાઇમ વિડિયોની લોકપ્રિય ક્રાઈમ થ્રિલર સીરીઝ 'દલદલ' હજુ તો ચર્ચામાં જ છે, ત્યાં તેના બીજા ભાગ એટલે કે સીઝન ૨ ના અણસાર મળવા લાગ્યા છે. સીરીઝના સર્જક સુરેશ ત્રિવેણીએ એક તાજેતરના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેમની ટીમ પાસે વાર્તાને આગળ વધારવા માટે અત્યંત પ્રભાવશાળી અને આશ્ચર્યજનક આઈડિયાઝ તૈયાર છે. લેખકોની ટીમ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ વિષય પર સંશોધન કરી રહી છે, જે સૂચવે છે કે બીજી સીઝન વધુ ડાર્ક અને રહસ્યમય હશે.
વિશ ધામિજાની પ્રખ્યાત નવલકથા "ભિંડી બજાર" પર આધારિત આ સીરીઝમાં ભૂમિ પેડણેકર ડીસીપી રીટા ફરેરાના પાત્રમાં જોવા મળે છે. વાર્તા માત્ર એક ખૂનીની શોધ નથી, પરંતુ રીટાના મનમાં ચાલતા દ્વંદ્વ અને સિસ્ટમ સામેની લડાઈની પણ છે. સુરેશ ત્રિવેણીએ જણાવ્યું કે જોકે સીઝન ૨ નું કામ સ્ક્રિપ્ટની મજબૂતી અને પ્લેટફોર્મની મંજૂરી પર નિર્ભર છે, પણ તેમની તૈયારીઓ પૂરેપૂરી છે. 'દલદલ' માં જે રીતે માનવ મનોવિજ્ઞાનના કાળા ખૂણાઓને દર્શાવવામાં આવ્યા છે, તેનાથી દર્શકો હવે રીટા ફરેરાના ભૂતકાળના રહસ્યો અને નવા મિશન વિશે જાણવા આતુર છે.
ક્રાઈમ ડ્રામા અને મનોવૈજ્ઞાનિક થ્રિલર જોનારા દર્શકો માટે 'દલદલ' એક નવો અનુભવ સાબિત થયો છે. જો બધું યોજના મુજબ ચાલ્યું તો ટૂંક સમયમાં જ ભૂમિ પેડણેકર ફરી એકવાર ગુનાના ગંદા દલદલમાં ઉતરીને દર્શકોને ખુરશી સાથે જકડી રાખશે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
