તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
બોલિવૂડમાં ખળભળાટ: ‘ડોન ૩’ માંથી રણવીર સિંહ આઉટ? હવે ફરહાન અખ્તર પોતે જ બનશે નવો ‘ડોન’! શાહરૂખ ખાનના કમબેકની આશા પર ફેરવાયું પાણી
ફરહાન અને રણવીર વચ્ચેના વિવાદ બાદ પ્રોજેક્ટમાં મોટો વળાંક; એટલીના ડાયરેક્શન અને ઋતિક રોશનની એન્ટ્રીની અટકળો વચ્ચે ફરહાનના મુખ્ય રોલના અહેવાલે ચાહકોને ચોંકાવ્યા

મુંબઈ: બોલિવૂડના સૌથી પોપ્યુલર ફ્રેન્ચાઇઝીમાંની એક એવી 'ડોન' સિરીઝની ત્રીજી ફિલ્મ અત્યારે ફિલ્મી દુનિયામાં સૌથી મોટો કોયડો બની ગઈ છે. રણવીર સિંહ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવી સત્તાવાર જાહેરાત બાદ હવે એક એવો ધડાકો થયો છે જેનાથી ચાહકો ગભરાઈ ગયા છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, રણવીર સિંહ આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી ગયો છે અને નવાઈની વાત એ છે કે ડિરેક્ટર ફરહાન અખ્તર હવે પોતે જ 'ડોન' બનીને પડદા પર આવવાની તૈયારી કરી રહ્યો છે!
રણવીર આઉટ અને શાહરૂખની નો-એન્ટ્રી!
લાંબા સમયથી ચર્ચા હતી કે રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે સર્જનાત્મક મતભેદો સર્જાયા છે, જેના કારણે રણવીરે પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય લીધો છે. રણવીરના આઉટ થયા બાદ સોશિયલ મીડિયા પર એવી હવા ચાલી હતી કે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ફરી એકવાર 'ડોન' તરીકે વાપસી કરશે. એવા પણ સમાચાર હતા કે શાહરૂખે ડિરેક્ટર એટલી (Jawan ફેમ) ની શરત મૂકી હતી. જોકે, હવે આ તમામ અટકળોને પાયાવિહોણી ગણાવવામાં આવી છે. ફરહાને આ રોલ માટે શાહરૂખનો સંપર્ક જ કર્યો નથી તેવી સ્પષ્ટતા સામે આવી છે.
શું ફરહાન અખ્તર પકડશે ડોનની પિસ્તોલ?
ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ મુજબ, 'ડોન' ફરહાનનો સૌથી મનપસંદ પ્રોજેક્ટ છે. રણવીર સિંહના એક્ઝિટ બાદ હવે ફિલ્મનું ભવિષ્ય જોખમમાં ન મુકાય તે માટે ફરહાન પોતે જ મુખ્ય ભૂમિકા ભજવવાનું ગંભીરતાથી વિચારી રહ્યો છે. જો આવું થશે, તો 'ડોન' ના ઈતિહાસમાં આ સૌથી મોટો ફેરફાર ગણાશે. જોકે, અમુક ચાહકો આ વાતથી ચિંતિત છે કારણ કે તેઓ ડોન તરીકે માત્ર શાહરૂખ કે કોઈ મોટા સુપરસ્ટારને જ જોવા માંગે છે.
ઋતિક રોશનની એન્ટ્રીની ચર્ચા
બીજી તરફ, 'ડોન ૨' માં નાનકડી ઝલક આપનાર ઋતિક રોશનનું નામ પણ રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઋતિકે તાજેતરમાં આ અહેવાલો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેનાથી સસ્પેન્સ વધુ ઘેરી બન્યું છે. શું ફરહાન પોતે એક્ટિંગ કરશે કે પછી ઋતિક રોશનને મેદાનમાં ઉતારશે? તે પ્રશ્ન અત્યારે બોલિવૂડમાં ટોક ઓફ ધ ટાઉન છે.
હાલ પૂરતું તો 'ડોન' ની વાર્તા અને તેના હીરો પર અનિશ્ચિતતાના વાદળો છવાયેલા છે. સત્તાવાર પુષ્ટિ ન થાય ત્યાં સુધી ૧૧ દેશોની પોલીસની જેમ ચાહકો પણ આ 'નવા ડોન' ની શોધમાં રહેશે!
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
