News of Friday, 27th February 2026
બોલિવૂડમાં ફરી 'ધ કેરળ સ્ટોરી 2' નો ધમાકો: વિવાદાસ્પદ 'બીફ સીન' પર અભિનેતા સુમિતે તોડી ચુપકીદી, કહ્યું- "સીન મુશ્કેલ હતો પણ વાસ્તવિકતા બતાવવી જરૂરી હતી"
ટ્રેલર બાદ ફિલ્મ પર પ્રતિબંધની માંગ વચ્ચે મેકર્સનો મોટો નિર્ણય: ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ હવે કોર્ટના ચુકાદા બાદ જ રૂપેરી પડદે દેખાશે

મુંબઈ: તા.૨૭: સેન્સેશનલ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' ની ભવ્ય સફળતા બાદ તેની સિક્વલ 'ધ કેરળ સ્ટોરી 2' અત્યારે સમગ્ર દેશમાં ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બની છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કેટલાક ચોંકાવનારા દ્રશ્યોને કારણે સોશિયલ મીડિયાથી લઈને કોર્ટ સુધી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ખાસ કરીને એક દ્રશ્ય જેમાં હિન્દુ યુવતીને બળજબરીથી બીફ (ગૌમાંસ) ખવડાવવામાં આવે છે, તેને લઈને પ્રેક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યમાં નકારાત્મક ભૂમિકા ભજવનાર અભિનેતા સુમિત ગેહલાવતે હવે આ વિવાદ પર ખુલીને વાત કરી છે.
"અમે સખત મહેનત કરી છે, પહેલા ફિલ્મ જુઓ"
અભિનેતા સુમિતે જણાવ્યું હતું કે, એક કલાકાર તરીકે વિવાદોમાં તેમના કામનું અવમૂલ્યન થાય તે દુઃખદ છે. તેણે કહ્યું, "લોકોએ ફિલ્મને પ્રોપેગેન્ડા કહેતા પહેલા તેને સંપૂર્ણ જોવી જોઈએ. અમે આ વિષયને ખૂબ જ ગંભીરતાથી રજૂ કર્યો છે." ફિલ્મમાં સુમિતે 'સલીમ'નું પાત્ર ભજવ્યું છે, જે એક હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા બાદ તેને ધર્મ પરિવર્તન અને ખાણી-પીણી બદલવા માટે મજબૂર કરે છે.
શૂટિંગ દરમિયાનનો અનુભવ
જ્યારે સુમિતને તે વિવાદાસ્પદ 'બીફ સીન' વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે સ્વીકાર્યું કે તે દ્રશ્ય ભજવવું તેના માટે માનસિક રીતે સરળ નહોતું. સુમિતે કહ્યું, "દ્રશ્ય શૂટ કરતા પહેલા અમે કલાકારો અંદરોઅંદર ખૂબ વાતો કરતા હતા જેથી વાતાવરણ હળવું રહે. મારે મારી સહ-અભિનેત્રીને આરામદાયક અનુભવ કરાવવો પડતો હતો કારણ કે તે સીન ખૂબ જ ગંભીર અને માનસિક રીતે થકવી દે તેવો હતો. હું 'ઓન-ઓફ' પ્રકારનો એક્ટર છું, કેમેરા સામે હું પૂરી રીતે સલીમ બની જતો હતો પણ કટ બોલતા જ હું ફરી સુમિત બની જતો."
શું છે સમગ્ર વિવાદ?
ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી 2' માં વિવિધ રાજ્યોની સત્ય ઘટનાઓ પર આધારિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં બતાવ્યા પ્રમાણે, લવ જેહાદ અને ધર્મ પરિવર્તનની જાળમાં ફસાયેલી યુવતીઓનું શોષણ કેવી રીતે થાય છે તેનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૭ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ પ્રબળ વિરોધ અને કાયદાકીય ગૂંચવણોને કારણે હાલમાં તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે.
લેખિકા કાજલ શર્માના જણાવ્યા અનુસાર, મનોરંજન જગતમાં આ ફિલ્મ આગામી દિવસોમાં પણ ચર્ચામાં રહેવાની છે, કારણ કે સેન્સર બોર્ડ અને કોર્ટની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
