<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

પ્રિયંકા ચોપરાના ફેશન 'જુગાડ' જોઈ ફેન્સ પણ ચોંકી ઉઠ્યા: ફાટેલા શર્ટ પર ચ્યુઇંગમ ચોંટાડી અને ચાલતી કેબમાં જાતે જ કરાવી નાખ્યું 'બેલી પિયર્સિંગ'!

ગ્લોબલ સ્ટારનો પોડકાસ્ટમાં ધડાકો: મિસ વર્લ્ડના સ્ટેજ પર ગાઉન લપસી ન જાય તે માટે 'નમસ્તે' પોઝનો કર્યો હતો ચતુર ઉપયોગ; ફેશન ક્વીનના આ સંઘર્ષની કથા સોશિયલ મીડિયા પર વાયરલ

મુંબઈ: આજે જે પ્રિયંકા ચોપરા રેડ કાર્પેટ પર પોતાના લુકથી આખી દુનિયાને મંત્રમુગ્ધ કરી દે છે, તેના શરૂઆતના દિવસો આટલા ગ્લેમરસ નહોતા. તાજેતરમાં "ગોઇંગ રોગ" નામના પોડકાસ્ટમાં પ્રિયંકાએ તેના સંઘર્ષના દિવસોના એવા 'દેશી જુગાડ' શેર કર્યા છે, જે સાંભળીને તમે પણ કહેશો કે - 'આ તો સાવ આપણી જેવી જ છે!'
ચાલતી કેબમાં બેલી બટન પિયર્સિંગ!
૯૦ના દાયકાને યાદ કરતા પ્રિયંકાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે તે સમયે તેને ક્રોપ ટોપ્સ અને બેલી બટન પિયર્સિંગનો ઘણો ક્રેઝ હતો. એકવાર તેણે ચાલતી કેબમાં પાછળની સીટ પર બેઠા-બેઠા જ પોતાની નાભિ વીંધાવી (Piercing) નાખી હતી. પ્રિયંકાએ હસતા હસતા કહ્યું કે, "તે સમયે અમે આ રીતે જ બધું મેનેજ કરતા હતા, કારણ કે અમારી પાસે આજની જેવી સુવિધાઓ કે મોટી ટીમો નહોતી."
ફાટેલું શર્ટ અને ચ્યુઇંગમનો સાથ
બીજી એક મજેદાર ઘટના શેર કરતા પ્રિયંકાએ જણાવ્યું કે, એક ઇવેન્ટ દરમિયાન કારમાંથી ઉતરતી વખતે તેનું શર્ટ અચાનક વચ્ચેથી ફાટી ગયું હતું. ફોટોગ્રાફર્સ સામે જવાનું હતું અને બીજો કોઈ વિકલ્પ નહોતો. તે સમયે પ્રિયંકાએ ચપળતા વાપરી અને મોઢામાં રહેલી 'ચ્યુઇંગમ' વડે શર્ટને એવી રીતે ચોંટાડી દીધું કે કોઈને ખ્યાલ પણ ન આવ્યો. આ ઉપરાંત, તેણે એક 'પ્રો-ટિપ' પણ આપી કે જો તમારી પાસે ફેશન ટેપ ન હોય, તો સાધારણ 'બેન્ડ-એઇડ' પણ ફેશન હેક તરીકે અદભૂત કામ કરી શકે છે.
મિસ વર્લ્ડનો એ ફેમસ 'નમસ્તે' પોઝ
વર્ષ ૨૦૦૦માં જ્યારે પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો, ત્યારે તેની પાછળ પણ એક રહસ્ય હતું. પ્રિયંકાએ જણાવ્યું કે તેનું ગાઉન વારંવાર નીચે ઉતરી રહ્યું હતું. સ્ટેજ પર આ ભૂલ ન થાય તે માટે તેણે આખી ઇવેન્ટ દરમિયાન બંને હાથ જોડીને 'નમસ્તે' કર્યા હતા. દુનિયાને લાગ્યું કે આ ભારતીય સંસ્કાર છે, પણ હકીકતમાં પ્રિયંકાએ ચતુરાઈથી પોતાના હાથ વડે ગાઉનને ટકાવી રાખ્યું હતું. પ્રિયંકાના મતે, ગ્લેમરની દુનિયામાં ટકી રહેવા માટે તેણે ખૂબ જ ઝડપથી આ બધી યુક્તિઓ શીખવી પડી હતી.

(9:04 PM IST)