News of Tuesday, 17th March 2026
'સૂર્યવંશમ'નો ઝેરી ખીર વાળો સોનુ હવે બની ગયો છે સુપરસ્ટાર: ૨૫ વર્ષ પછી ઠાકુર ભાનુ પ્રતાપના પૌત્રનો નવો લુક વાયરલ
હીરા ઠાકુરનો લાડકવાયો પુત્ર આનંદ વર્ધન હવે ૩૩ વર્ષની વયે દક્ષિણ ભારતીય સિનેમામાં મચાવી રહ્યો છે ધૂમ : સોશિયલ મીડિયા પર ડેશિંગ પર્સનાલિટી જોઈ ચાહકો બોલ્યા- "આ તો ખરેખર વંશ આગળ વધારશે!"

હૈદરાબાદ: ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં જો કોઈ એક ફિલ્મ અમર થઈ હોય, તો તે ચોક્કસપણે 'સૂર્યવંશમ' છે. સેટ મેક્સ પર વર્ષો સુધી રાજ કરનારી આ ફિલ્મના પાત્રો આજે પણ લોકોના માનસપટ પર જીવંત છે. ખાસ કરીને પેલો માસૂમ બાળક 'સોનુ', જેણે દાદા ભાનુ પ્રતાપ સિંહને અજાણતા ઝેરી ખીર ખવડાવીને આખી વાર્તામાં વળાંક લાવી દીધો હતો, તે હવે ઓળખાય તેમ નથી. બાળ કલાકાર તરીકે રાતોરાત લોકપ્રિયતા મેળવનાર આનંદ વર્ધન હવે ૩૩ વર્ષનો થઈ ગયો છે. માસૂમ દેખાતો એ સોનુ હવે સિક્સ-પેક એબ્સ, સ્ટાઇલિશ દાઢી અને કિલર લુક સાથે સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.
આનંદ વર્ધન માત્ર નસીબના જોરે નહીં પણ લોહીમાં રહેલી કલાના જોરે સિનેમા જગતમાં ટકી રહ્યો છે. તે પ્રખ્યાત પ્લેબેક સિંગર પી.બી. શ્રીનિવાસનો પૌત્ર છે. તેણે માત્ર ૪ વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મ 'રામાયણ' થી અભિનયની શરૂઆત કરી હતી અને ત્યારબાદ 'પ્રિયારાગાલુ' જેવી ફિલ્મો માટે નંદી એવોર્ડ પણ જીત્યો હતો. જોકે, હિન્દી પ્રેક્ષકો માટે તે આજે પણ હીરા ઠાકુરનો એ જ વ્હાલો પુત્ર છે. ૨૦ થી વધુ તેલુગુ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યા પછી તેણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ફિલ્મી દુનિયાથી બ્રેક લીધો હતો, પરંતુ ૨૦૨૫ માં તેણે 'નીદૂરીંચુ જહાપન્ના' ફિલ્મ દ્વારા મુખ્ય હીરો તરીકે ભવ્ય વાપસી કરી છે.
સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે પણ તે પોતાનો ફોટો મૂકે છે, ત્યારે 'સૂર્યવંશમ' ના ફેન્સ કોમેન્ટ સેક્શનમાં ઉભરાઈ જાય છે. ચાહકો તેને જોઈને આશ્ચર્યચકિત છે કે સમય કેટલી ઝડપથી બદલાઈ જાય છે! આનંદનો વર્તમાન લુક કોઈ બોલિવૂડ સુપરસ્ટારથી કમ નથી. તેની ફિટનેસ જોઈને લાગે છે કે તે હવે સાઉથની સાથે સાથે ફરીથી હિન્દી સિનેમામાં પણ ધમાકેદાર એન્ટ્રી કરવા માટે સજ્જ છે. ફેન્સ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જો 'સૂર્યવંશમ ૨' બને તો સોનુની ભૂમિકા માટે આનંદ વર્ધન સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે નહીં.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
