<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

'ધૂરંધર 2' ના સ્ટાર્સ પર કરોડોનો વરસાદ: રણવીર સિંહથી લઈને અક્ષય ખન્ના સુધી, જાણો કયા કલાકારને મળી કેટલી તોતિંગ ફી

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સ્ટારકાસ્ટના પગારનો ચોંકાવનારો ખુલાસો: રણવીરે ફી વધારવાને બદલે જૂના ભાવે જ કર્યું કામ, જ્યારે વિલન કરતા કેમિયો કરનાર કલાકારની ફી નીકળી વધુ

મુંબઈ:રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધૂરંધર 2' અત્યારે સિનેમાઘરોમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે, ત્યારે ફિલ્મના મેકિંગ પાછળ થયેલા ખર્ચ અને કલાકારોની ફી અંગે સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ડેટા મુજબ, આ સિક્વલ માટે મોટાભાગના સ્ટાર્સે પોતાની ફીમાં કોઈ મોટો વધારો કર્યો નથી, જે બોલિવૂડના સામાન્ય વલણથી તદ્દન વિપરીત છે.
   ફિલ્મના મુખ્ય હીરો રણવીર સિંહની વાત કરીએ તો, અહેવાલો મુજબ તેમણે 'ધૂરંધર 2' માટે આશરે ₹50 કરોડ ચાર્જ કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે પ્રથમ ભાગ માટે પણ તેમને આટલી જ રકમ મળી હતી. ₹1,000 કરોડની ક્લબમાં સામેલ ફિલ્મ આપ્યા બાદ પણ રણવીરે ફી ન વધારતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો પણ આશ્ચર્યમાં છે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ બંને ભાગ માટે અગાઉથી જ સાઈન કરવામાં આવી હોવાથી ફીમાં ફેરફાર થયો નથી.
   ફિલ્મમાં સૌથી વધુ ચર્ચા અક્ષય ખન્ના અને વિલન અર્જુન રામપાલની ફીની થઈ રહી છે. અક્ષય ખન્નાએ આ ફિલ્મમાં માત્ર 'કેમિયો' રોલ કર્યો છે, છતાં તેમને આશરે ₹2.5 કરોડ ચૂકવવામાં આવ્યા છે. તેની સામે મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવનાર અર્જુન રામપાલને આશરે ₹1 કરોડ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ, પડદા પરની મિનિટોના હિસાબે અક્ષય ખન્નાની ફી સૌથી મોંઘી સાબિત થઈ છે.
   અન્ય કલાકારોની વાત કરીએ તો, મુન્નાભાઈ એટલે કે સંજય દત્તને આ પ્રોજેક્ટ માટે આશરે ₹10 કરોડ અને આર. માધવનને ₹9 કરોડ જેવી મોટી રકમ મળી છે. જ્યારે અભિનેત્રી સારા અલી ખાનને આશરે ₹1 કરોડ મળ્યા હોવાના અહેવાલ છે. જોકે, આ આંકડાઓ અંગે હજુ સુધી નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ફેન્સમાં આ 'પે-ચેક' ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

(8:23 PM IST)