<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th March 2026

મનીષ મલ્‍હોત્રા પર તૂટયો દુઃખનો પહાડ, ૯૪ વર્ષની વયે માતાનું નિધન

મુંબઈ તા.૨૦: બોલિવૂડના ફેવરિટ અને દેશના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્‍હોત્રાના પરિવાર પર દુઃખની આફત આવી પડી છે. મનીષ મલ્‍હોત્રાના માતા ગરિમા મલ્‍હોત્રાનું ૯૪ વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. વધતી ઉંમરને કારણે તેઓ છેલ્‍લા કેટલાક સમયથી બીમાર હતા. માતાના નિધનના સમાચાર મળતા જ મનીષ મલ્‍હોત્રાના નિવાસસ્‍થાને બોલિવૂડના દિગ્‍ગજ કલાકારો સાંત્‍વના આપવા પહોંચી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે ગઈકાલે ગુરુવારે એટલે કે ૧૯ માર્ચે અંતિમ શ્વાસ લીધા હતા. મનીષ મલ્‍હોત્રાના પરિવાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે એક લાંબુ અને સારું જીવન જીવ્‍યું છે.

. મનીષ મલ્‍હોત્રા તેમની માતા સાથે ખૂબ જ જોડાયેલા હતા. તેમણે અનેક પ્રસંગોએ આ વાતનો ખુલાસો કર્યો છે કે, તેમની માતા જ તેમની હિમત અને પ્રેરણા છે. સોશિયલ મીડિયા પર પણ તેઓ અવારનવાર પોતાની માતા સાથેના ફોટા શેર કરતા રહેતા હતા. મનીષ મલ્‍હોત્રાના માતાના નિધનના સમાચાર સાંભળતા જ ઇન્‍ડસ્‍ટ્રીના તમામ સિતારાઓનું સતત મનીષ મલ્‍હોત્રાના ઘરે પહોંચવાનું શરૂ થઈ ગયું છે. નિધનના સમાચારની પુષ્ટિ મનીષની ટીમે પણ એક ઓફિશિયલ નિવેદન જાહેર કરીને કરી છે. સાથે જ અંતિમ સંસ્‍કારની માહિતી પણ આપી છે. આ સમાચાર સામે આવ્‍યા બાદથી જ તેમના નજીકના લોકો અને ફિલ્‍મી જગતના લોકો મનીષ મલ્‍હોત્રાના ઘરે પહોંચી રહ્યા છે.

મનીષની માતાની વાત કરીએ તો, તેઓ પોતાની પાછળ સુંદર યાદો અને પેઢીઓનો પ્રેમ છોડી ગયા છે.  તમને જણાવી દઈએ કે, તેમના માતાના નિધનની જાણકારી મળતા જ અભિનયની દુનિયા સાથે જોડાયેલા લોકો મનીષ મલ્‍હોત્રાના ઘરે પહોંચીને પરિવારના સભ્‍યોને સાંત્‍વના આપી રહ્યા છે. અભિનેતા અર્જુન કપૂર પણ મનીષ મલ્‍હોત્રાના ઘરે પહોંચી ગયા છે. તેમના સિવાય કરિશ્‍મા કપૂર, ઉર્મિલા માતોંડકર, રવીના ટંડન અને સોનાલી બેન્‍દ્રે જેવા અનેક લોકો તેમની માતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્‍યા છે.

(11:38 AM IST)