News of Friday, 20th March 2026
પ્રખ્યાત બોલિવુડ સિંગર અલ્કા યાજ્ઞિકનો આજે જન્મદિવસ
માત્ર ૬ વર્ષની ઉંમરે તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો પર ભજન ગાતા હતાઃ લતા મંગેશકર અને આશા ભોંસલે પછી સૌથી વધુઃ ૩૫,૦૦૦થી વધુ ગીત ગાયા છેઃ જે એક વિશ્વ વિક્રમ સ્તરની સિદ્ધિ છેઃ ૨૦ થી વધુ ભારતીય ભાષાઓ અને બોલીઓમાં તેમના ગીતો ગૂંજે છે

(જીતેન્દ્ર રૂપારેલિયા...) વાપીઃ ભારતનુ ગૌરવ અને બોલિવૂડની પ્રખ્યાત પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકનો આજે જન્મદિવસ છે.
અલ્કા યાજ્ઞિકનો જન્મ ૨૦ માર્ચ, ૧૯૬૬ના રોજ કોલકાતામાં એક ગુજરાતી હિન્દુ પરીવારમાં, પヘમિ બંગાળમાં થયો હતો. તેમના પિતા શ્રી ધ્રુવ કુમાર યાજ્ઞિક ગુજરાતી હતા અને માતા શ્રીમતી શકુંતલા યાજ્ઞિક પોતે એક સારી ગાયિકા હતા. માતાની પ્રેરણાથી જ અલ્કાજીએ નાની ઉંમરથી સંગીત શીખ્યું, તેમના નાના ભાઈ સમીર યાજ્ઞિક પણ ગાયક છે.
કહેવાય છે કે અલ્કાએ માત્ર ચાર વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું અને શાષીય સંગીતની તાલીમ મળી, અને માત્ર ૬ વર્ષની ઉંમરે, ૧૯૭૨ના વર્ષમાં, તેઓ ઓલ ઇન્ડિયા રેડિઓ આકાશવાણી, કોલકાતા માટે ભજન ગાવા લાગ્યા હતા, ત્યાર બાદ ૧૦વર્ષની વયે તેમની માતા તેમને બાળ ગાયિકા તરીકે ગાવાની તક અપાવવા મુંબઈ લઈ આવ્યા,જ્યારે રાજ કપૂર સાથે ઓળખાણ થઈ, ત્યારે રાજ કપૂરે તેઓને પ્રસિદ્ધ સંગીત નિર્દેશક લક્ષ્મીકાન્ત પાસે મોકલ્યા, લક્ષ્મીકાન્તે તેઓને બે વિકલ્પ આપ્યા , એક કે હાલ માં ડબિંગ આર્ટિસ્ટ તરીકે તરત શરૂ કરો, અથવા ૩ વર્ષ રાહ જોયા પછી ગાયિકા તરીકે કેરિયર શરૂ કરો.
અલ્કાએ ધીરજ સાથે બીજો વિકલ્પ પસંદ કર્યો, ૧૯૮૦ના વર્ષમાં પાયલ કી જનકાર ફિલ્મ માટે ગીત ગાઈ બોલિવૂડમાં કારકીર્દીની શરૂઆત કરી ત્યારબાદ ૧૯૮૧ ની ફિલ્મ લાવારિસ માટે મેરે અંગને મેં ગીત ગાયું, ખાસ્સી પ્રસિદ્ધિ મેળવી પરંતુ તેમને સાચી લોકપ્રિયતા અપાવી વર્ષ ૧૯૮૮ ના તેજાબ ફિલ્મના એક દો તીન ગીતે, જે ખુબ જ હિટ રહ્યું અને તેઓને પ્રથમ ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો.
અલ્કા યાજ્ઞિકના હિટ ગીતોની એક ઝલક જોઈએ તો ટીપ ટીપ બરસે પાની..., ચુરા કે દિલ મેરા..., દિલ લગા લીયા મૈને ..., તાલ સે તાલ મિલા., અગર તુમ સાથ હો..., એક દો તીન...., દિલબર દિલબર..., કુછ કુછ હોતા હૈ..., હુમ તુમ..., મેરે મહેબૂબ મેરે સનમ... સહિત અનેક
અલ્કા યાજ્ઞિક એ કુમાર સાનુ , ઉદિત નારાયણ અને સોનુ નિગમ સાથે ઘણા ઉત્કૃષ્ટ ડ્યુએટ ગાયા, જે ૧૯૯૦ના દાયકામાં અત્યંત લોકપ્રિય થયા., અલ્કા યાજ્ઞિક માત્ર હિન્દી નહીં, પણ ગુજરાતી, તામિલ, ઓડિયા, બંગાળી, પંજાબી, અને રાજસ્થાની ભાષામાં ગીત ગાયા છે, વર્ષ ૨૦૦૧માં ગુજરાતી ફિલ્મ મૈયરમાં મનડું નથી લાગતું માં અલ્કા યાજ્ઞિકએ પ્લેબેક આપ્યું , અને ફિલ્મને ગુજરાત સરકારના ૯ એવોર્ડ મળ્યા હતા.
અલ્કા યાજ્ઞિક ભારતના જાણીતા ગાયકીના રિયાલિટી શો સારે ગામા પા, અને સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયાના જજની ભૂમિકા લાંબા સમયથી બખૂબી ભજવે છે.
અલ્કાજી લતા મંગેશકર અને આશા ભોંસલે પછી સૌથી વધુ ગીત ગાનાર ગાયિકા છે, તેમણે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૪ દાયકા કરતાં વધુ સમયથી સક્રિય છે એટલુંજ નહી તેમણે ૩૫,૦૦૦થી વધુ ગીત ગાયા છે, જે એક વિશ્વ વિક્રમ સ્તરની સિદ્ધિ છે, એ પણ ૨૦થી વધુ ભારતીય ભાષાઓ અને બોલીઓમાં ગીત ગાયા છે, જે ખરેખર ગૌરવની વાત છે.
અલ્કાજીનો આજે ૨૦મી માર્ચના રોજ જન્મ દિવસ છે તેમના આ જન્મ દિવસે હાર્દિક શુભકામનાઓ.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
