News of Tuesday, 31st March 2026
‘શોલે’ના આ અભિનેતાને ફીમાં પૈસા નહીં પણ મળ્યું હતું ‘રેફ્રિજરેટર’: 50 વર્ષ પછી પણ અભિનેતાએ આ લક્ઝરી વસ્તુને યાદગાર તરીકે સાચવી રાખી
સચિન પિલગાંવકરે ‘અહેમદ’ના રોલ માટે વસૂલી હતી અનોખી ફી: 70ના દાયકામાં ફ્રિજ રાખવું એ આજની બ્રાન્ડેડ કાર સમાન ગણાતું, જાણો આ રસપ્રદ કિસ્સો

મુંબઈ, તા.31: હિન્દી સિનેમાની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘શોલે’ વિશે જ્યારે પણ વાત થાય ત્યારે ગબ્બર, જય-વીરુ અને ઠાકુરના નામ ચોક્કસ લેવાય છે. પરંતુ આ ફિલ્મમાં એક નાનકડું પણ અત્યંત ભાવુક પાત્ર હતું ‘અહેમદ’નું, જે અંધ એ.કે. હંગલના પૌત્ર તરીકે જોવા મળ્યો હતો. આ પાત્ર ભજવનાર અભિનેતા સચિન પિલગાંવકરને તે સમયે આ રોલ માટે જે ફી મળી હતી, તે જાણીને તમે ચોંકી જશો. સચિનને આ કામ માટે રોકડ રકમ નહીં, પરંતુ એક રેફ્રિજરેટર (ફ્રિજ) આપવામાં આવ્યું હતું.
70ના દાયકાની લક્ઝરી
15 ઓગસ્ટ, 1975ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં સચિન પિલગાંવકરે માત્ર 16 વર્ષની ઉંમરે કામ કર્યું હતું. તે દિવસોમાં ઘરમાં રેફ્રિજરેટર હોવું એ એક મોટી વૈભવી બાબત માનવામાં આવતી હતી. 1975માં એક મધ્યમ કદના ફ્રિજની કિંમત અંદાજે ₹3,000 થી ₹5,000 હતી. સચિને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે સમયે ફ્રિજ મેળવવું એ આજની લક્ઝરી કાર મેળવવા બરાબર હતું. આશ્ચર્યની વાત એ છે કે સચિને આ ફ્રિજને પોતાની પ્રથમ મોટી કમાણીની યાદગીરી રૂપે આજે 50 વર્ષ પછી પણ પોતાની પાસે સુરક્ષિત રાખ્યું છે.
બાળ કલાકારથી દિગ્ગજ અભિનેતા સુધીની સફર
સચિન પિલગાંવકર માત્ર 5 વર્ષની ઉંમરથી અભિનય ક્ષેત્રે સક્રિય છે. તેમણે બાળ કલાકાર તરીકે બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે. 'શોલે' ઉપરાંત તેમણે 'સત્તે પે સત્તા', 'બાલિકા વધૂ' અને 'આંખિયોં કે ઝરોખોં સે' જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ તેઓ અભિનય, દિગ્દર્શન અને ગાયન ક્ષેત્રે કાર્યરત છે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
