<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

સોની સબની લોકપ્રિય સીરિયલ ‘ઇત્તી સી ખુશી’માં અન્વિતા અને વિરાટના લગ્નોત્સવનો ભવ્ય પ્રારંભ : ખુશીઓના માહોલમાં વિઘ્ન સંતોષીની એન્ટ્રી

રંગીન હળદીની વિધિઓ અને પારિવારિક એકતા વચ્ચે સારાસેઠીના રહસ્યમય ઈરાદાઓએ લગ્ન આયોજનને ખતરામાં મૂક્યું : શું અન્વિતા અને વિરાટ પોતાના પ્રેમનો પડાવ પાર કરી શકશે કે ભૂતકાળના રહસ્યો સંબંધોમાં તિરાડ પાડશે?

મુંબઈ: સોની સબ પર પ્રસારિત થતી સીરિયલ ‘ઇત્તી સી ખુશી’ હાલમાં પોતાની હૃદયસ્પર્શી વાર્તાને કારણે દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. એપ્રિલ ૨૦૨૬ના લેટેસ્ટ ટ્રેક મુજબ, લાંબા સમયના સંઘર્ષો અને ભાવનાત્મક ઉથલપાથલ બાદ આખરે અન્વિતા (સુંબુલ તૌકીર ખાન) અને વિરાટ (રજત વર્મા)ના લગ્નની વિધિઓનો આરંભ થયો છે. આગામી એપિસોડમાં દર્શકો હળદીની રંગીન ઉજવણી નિહાળશે, જ્યાં અન્વિતા પોતાની જવાબદારીઓ અને અંગત સુખ વચ્ચે સંતુલન જાળવતી જોવા મળશે. વિરાટ પણ અડગ રીતે તેની પડખે ઉભો રહીને સમાજના તિરસ્કાર સામે તેનું રક્ષણ કરતો દેખાશે.

જોકે, આ ખુશીના માહોલમાં સારાસેઠી (ભુમિકા ગુરુંગ)ની રહસ્યમય એન્ટ્રીએ તણાવ પેદા કર્યો છે. સારાના ઈરાદાઓ વિરાટના જટિલ ભૂતકાળ સાથે જોડાયેલા હોય તેવું જણાય છે, જે લગ્નવિધિઓમાં અવરોધ ઊભા કરી શકે છે. અન્વિતાનું પાત્ર ભજવતી સુંબુલ તૌકીર ખાને જણાવ્યું કે, “અન્વિતા માટે આ લગ્ન માત્ર પ્રેમ જ નહીં પરંતુ પોતાના સુખને પસંદ કરવાની ક્ષણ છે. તે તમામ ગડબડ વચ્ચે પણ શાંત રહીને આ ખુશીને માણવા માંગે છે, પરંતુ સારાની એન્ટ્રીથી પેદા થયેલી અજાણી બેચેની તેને નવા પડકારો તરફ દોરી રહી છે.” આ ટ્રેક ઉજવણી અને તણાવનું અદભૂત મિશ્રણ પૂરું પાડશે. ‘ઇત્તી સી ખુશી’ દર સોમવારથી શનિવાર રાત્રે ૯ વાગ્યે સોની સબ પર નિહાળી શકાશે.

(5:21 PM IST)