તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
રણવીર સિંહ હવે ઝોમ્બી સામે લડશે
'ધૂરંધર 2' ની ભવ્ય સફળતા બાદ રણવીર સિંહ અને હંસલ મહેતાની જોડી 300 કરોડના મેગા બજેટ સાથે લાવશે દેશની સૌથી મોટી ઝોમ્બી એક્શન ફિલ્મ 'પ્રલય'

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ હાલમાં તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધૂરંધર: ધ રિવેન્જ' (ધૂરંધર 2) ની ઐતિહાસિક સફળતાના મોજા પર સવાર છે. આ સ્પાય થ્રિલરે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, ત્યારે હવે રણવીર કંઈક એવું કરવા જઈ રહ્યો છે જે ભારતીય સિનેમામાં પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. જાણીતા ફિલ્મ સર્જક હંસલ મહેતાએ ખુલાસો કર્યો છે કે રણવીર સિંહ હવે 'પ્રલય' નામની પોસ્ટ-એપોકેલિપ્ટિક ઝોમ્બી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ માત્ર એક સામાન્ય એક્શન મૂવી નહીં હોય, પરંતુ તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું વર્લ્ડ-બિલ્ડિંગ અને હોલીવુડ કક્ષાના VFX જોવા મળશે.
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું નિર્દેશન હંસલ મહેતાના પુત્ર જય મહેતા કરશે, જેમણે 'સ્કેમ 1992' માં પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. 'પ્રલય' નું બજેટ આશરે રૂ. 300 કરોડ હોવાનું મનાય છે, જે તેને રણવીર સિંહના કરિયરની સૌથી મોંઘી ફિલ્મ બનાવે છે. રસપ્રદ વાત એ છે કે રણવીર આ ફિલ્મમાં માત્ર અભિનય જ નથી કરી રહ્યો, પરંતુ તેની પ્રોડક્શન કંપની 'મા કસમ ફિલ્મ્સ' દ્વારા આ પ્રોજેક્ટમાં સહ-નિર્માતા તરીકે પણ જોડાયો છે. હંસલ મહેતાએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ નવલકથાનું અનુકરણ નથી પરંતુ જય મહેતા અને વિશાલ કપૂર દ્વારા લખાયેલી સંપૂર્ણ મૌલિક વાર્તા છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ એટલી જ આકર્ષક છે. રણવીર સિંહની સામે સાઉથની સ્ટાર અને દિગ્ગજ દિગ્દર્શક પ્રિયદર્શનની પુત્રી કલ્યાણી પ્રિયદર્શન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કલ્યાણીની તાજેતરની ફિલ્મ 'લોકા' ની સફળતા બાદ આ તેની મોટી બોલિવૂડ ડેબ્યૂ ગણાઈ રહી છે. આ હાઈ-ઓક્ટેન ઝોમ્બી થ્રિલરનું શૂટિંગ 2026 ના મધ્યમાં શરૂ થવાની ધારણા છે, જેના માટે એક મોટી આંતરરાષ્ટ્રીય ક્રૂ ટીમ પણ કામે લાગી છે. રણવીર અને કલ્યાણીની આ નવી જોડી રૂપેરી પડદે ઝોમ્બિઓ સામે કેવી રીતે ટકી રહેશે તે જોવું પ્રેક્ષકો માટે રોમાંચક રહેશે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
