<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th April 2026

થલાપતિ વિજયની ફિલ્મ 'જન નાયગન' ઓનલાઈન લીક થતા ખળભળાટ: નિર્માતાઓએ લીધું કડક વલણ, લીક કરનારાઓ સામે 'સિવિલ અને ક્રિમિનલ' કેસની ચેતવણી

સેન્સર બોર્ડમાં અટવાયેલી ફિલ્મ ફુલ HD માં લીક થતા ફિલ્મ જગતમાં આઘાત; ડાયરેક્ટર એચ. વિનોથે ભાવુક થઈને ચાહકોને કરી ખાસ અપીલ

 
ચેન્નાઈ | તા.૧૦: દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર અને રાજનેતા થલાપતિ વિજયની આગામી ફિલ્મ 'જન નાયગન' ને લઈને એક ખૂબ જ આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે આ ફિલ્મ ફુલ HD ક્વોલિટીમાં ઓનલાઈન લીક થઈ જતાં સમગ્ર તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે, આ ફિલ્મ હજુ સુધી થિયેટરોમાં રિલીઝ થઈ નથી અને છેલ્લા ચાર મહિનાથી સેન્સર સર્ટિફિકેટના અભાવે અટવાયેલી છે.
નિર્માતાઓની કાનૂની લાલ આંખ
ફિલ્મ લીક થવાની ઘટનાને નિર્માતાઓએ અત્યંત ગંભીરતાથી લીધી છે. તેમણે એક કડક કાનૂની નોટિસ જારી કરીને ચેતવણી આપી છે કે, "વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ કે અન્ય કોઈપણ ડિજિટલ માધ્યમ દ્વારા ફિલ્મના દ્રશ્યો ડાઉનલોડ કે શેર કરવા એ ગંભીર ફોજદારી ગુનો છે." નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જે લોકો આ લીક થયેલી સામગ્રીને ફેલાવવામાં મદદ કરશે, તેમની સામે તાત્કાલિક ધોરણે સિવિલ અને ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવશે.
ડાયરેક્ટરની ભાવુક અપીલ
ફિલ્મના દિગ્દર્શક એચ. વિનોથે ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરતા લખ્યું, "ફિલ્મનું દરેક દ્રશ્ય કોઈનું સપનું હોય છે. રિલીઝ પહેલા જ આ રીતે ફિલ્મ લીક થવી એ અત્યંત પીડાદાયક છે. મહેરબાની કરીને આ લીક થયેલી ક્લિપ્સ શેર ન કરો અને અમને સમર્થન આપો." જ્યારે ડાયરેક્ટર ભાવુક દેખાયા, ત્યારે અભિનેતા વિજયે આ બાબતે અત્યાર સુધી મૌન જાળવી રાખ્યું છે.
દિગ્ગજ કલાકારોની ફોજ
'જન નાયગન' એક મોટી એક્શન ફિલ્મ માનવામાં આવે છે, જેમાં વિજયની સાથે પૂજા હેગડે, મમિતા બૈજુ, બોબી દેઓલ અને પ્રિયામણી જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ૯ જાન્યુઆરીએ રિલીઝ થવાની આ ફિલ્મ પહેલેથી જ વિલંબમાં હતી, અને હવે આ ડિજિટલ લીકેજને કારણે તેના બોક્સ ઓફિસ કલેક્શન પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે.
નિર્માતાઓએ જનતાને વિનંતી કરી છે કે તેઓ આવી કોઈ ગેરકાયદેસર લિંક્સ પર ક્લિક ન કરે અને સિનેમાની ગરિમા જાળવી રાખવામાં મદદ કરે. હવે જોવાનું એ રહેશે કે સાયબર સેલ આ લીક પાછળના ગુનેગારોને કેટલી ઝડપથી પકડી પાડે છે.

(5:14 PM IST)