News of Thursday, 11th June 2026
બોલિવૂડમાં હાસ્યનો સૌથી મોટો ધડાકો! 'વેલકમ ટુ ધ જંગલ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ: ૨૦૦૦ કરોડની નકલી ફિલ્મની વાર્તામાં અક્ષય કુમાર અને પરેશ રાવલની જબરદસ્ત જુગલબંધી
૧૯ વર્ષ પછી અક્ષય કુમારની પાવરપેક વાપસી: ટ્રેલરમાં સિંગર દલેર મહેંદીના કોમિક ટાઇમિંગે અક્ષયને પણ પાછળ છોડ્યો, કલ્ટ ક્લાસિક ઉદય શેટ્ટી અને મજનૂ ભાઈની યાદો થઈ તાજી

મુંબઈ, તા.૧૧: સિનેમાપ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે બોલિવૂડની સૌથી મોટી કોમેડી ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'નું ઓફિશિયલ ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. મનોરંજન અને હાસ્યના ઓવરડોઝથી ભરપૂર આ ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. અહમદ ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વર્ષ ૨૦૦૭માં આવેલી સુપરહિટ કલ્ટ ફિલ્મ 'વેલકમ'ની સિક્વલ છે. વર્ષ ૨૦૧૫માં આ સીરિઝનો બીજો ભાગ 'વેલકમ બેક' અક્ષય કુમાર વિના રિલીઝ થયો હતો, પરંતુ હવે પૂરા ૧૯ વર્ષ પછી ખિલાડી કુમાર ફરી એકવાર આ કલ્ટ કોમેડીમાં શાનદાર વાપસી કરી રહ્યો છે.
ફિલ્મનું ટ્રેલર ૪ મિનિટ અને ૧૦ સેકન્ડનું છે, જેની શરૂઆત જ '૨૦૦૦ કરોડની નકલી ફિલ્મ'ના અનોખા ટાઈટલ સાથે થાય છે. ટ્રેલર જોઈને અંદાજ લગાવી શકાય છે કે આમાં ભરપૂર એક્શન જોવા મળશે, પણ તે વાસ્તવમાં હાસ્યની છોળો ઉડાડતી અલ્ટીમેટ કોમેડી હશે. વાર્તા એક એવા ગામની આસપાસ વણાયેલી છે જ્યાં ડાકુઓનું રાજ ચાલે છે. જેકી શ્રોફ આ ડાકુઓના મુખિયાના રોલમાં છે, જેમને એવો ભ્રમ થાય છે કે ગામમાં આર્મી આવી ગઈ છે, અને ત્યાંથી જ શરૂ થાય છે કન્ફ્યુઝન અને કોમેડીનો અસલી ખેલ. ફિલ્મમાં પરેશ રાવલ એક અનોખા ફિલ્મ ડાયરેક્ટરના રોલમાં છે અને રાજપાલ યાદવ તેમના આસિસ્ટન્ટ બન્યા છે.
દલેર મહેંદીનું સરપ્રાઈઝ પેકેજ અને જૂની યાદોની ઝલક
આ ટ્રેલરનું સૌથી મોટું સરપ્રાઈઝ પેકેજ પૉપ સિંગર દલેર મહેંદી છે, જેઓ આ ફિલ્મ દ્વારા મોટા પડદા પર પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ટ્રેલરમાં તેમના દ્રશ્યો અને કોમિક ટાઇમિંગ એટલા અદ્ભુત છે કે તેમણે અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકારને પણ જોરદાર ટક્કર આપી છે. આ ઉપરાંત ટ્રેલરમાં રવિના ટંડનનો ડ્રામા, જેકી શ્રોફની ધમાકેદાર એન્ટ્રી અને જૂની ફિલ્મના લોકપ્રિય પાત્રો 'ઉદય શેટ્ટી અને મજનૂ ભાઈ'ની ફેમસ પેઇન્ટિંગની ઝલક પણ જોવા મળે છે, જે દર્શકોને જૂની યાદોમાં સરી પડવા મજબૂર કરે છે.
સિનેમાઘરોમાં રિલીઝ થવાના બરાબર ૧૫ દિવસ પહેલા મેકર્સે આ ટ્રેલર લોન્ચ કરીને દર્શકોની ઉત્સુકતા બમણી કરી દીધી છે. મનોરંજન જગતના અસંખ્ય કોમેડી કિંગ્સથી સજ્જ આ મલ્ટિસ્ટારર ફિલ્મ આગામી ૨૬ જૂને સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે સજ્જ છે. આ ટ્રેલર જોયા પછી ફેન્સ કહી રહ્યા છે કે થિયેટરોમાં હસી-હસીને લોટપોટ થવા માટે તૈયાર થઈ જાઓ.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
