News of Friday, 12th June 2026
અક્ષય કુમાર પણ પાછળ છૂટ્યા: અરશદ વારસી માત્ર 15 દિવસમાં મચાવશે ધમાલ, બે મોટી ફિલ્મો અને સિરીઝ થશે રિલીઝ
બોલિવૂડના 'સર્કિટ'નો અનોખો રેકોર્ડ: જૂનના અંતથી જુલાઈની શરૂઆત સુધી સિનેમાઘરોથી લઈને OTT પ્લેટફોર્મ પર જોવા મળશે માત્ર અરશદનો જ જાદુ

મુંબઈ: બોલિવૂડમાં જ્યારે પણ એક પછી એક બેક-ટુ-બેક ફિલ્મો રિલીઝ કરવાની વાત આવે, ત્યારે લોકોના મગજમાં સૌથી પહેલું નામ અક્ષય કુમારનું આવે છે. પરંતુ આ વખતે ઈન્ડસ્ટ્રીના મનપસંદ અભિનેતા અરશદ વારસીએ અક્ષય કુમારને પણ પાછળ છોડીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહ્યા છે. અરશદ વારસી આગામી માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં ત્રણ મોટા પ્રોજેક્ટ્સ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે, જેમાં બે મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મો અને એક મોસ્ટ અવેટેડ વેબ સિરીઝનો સમાવેશ થાય છે. આ અદભુત સંયોગને કારણે અત્યારે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અરશદ વારસીના નામની જોરદાર ચર્ચા થઈ રહી છે.
આ ધમાકેદાર સફરની શરૂઆત ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ અહમદ ખાન દ્વારા નિર્દેશિત ભવ્ય ફિલ્મ "વેલકમ ટુ ધ જંગલ" થી થશે, જેમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ સહિત ૨૫થી વધુ દિગ્ગજ કલાકારો સાથે અરશદ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેના બરાબર એક અઠવાડિયા પછી, એટલે કે ૩ જુલાઈએ પ્રખ્યાત ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની ડેબ્યુ OTT ક્રાઈમ-કોમેડી સિરીઝ "પ્રીતમ પેડ્રો" Jio Hotstar પર રિલીઝ થશે, જેમાં અરશદ વારસી અને વિક્રાંત મેસી ધૂમ મચાવશે. આ સિરીઝથી હિરાનીના પુત્ર વીર હિરાની પણ એક્ટિંગમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ સિલસિલો અહીં જ નહીં અટકે, બલ્કે ૧૦ જુલાઈએ ઇન્દ્ર કુમારની સુપરહિટ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ "ધમાલ ૪" થિયેટરોમાં રિલીઝ થઈને આ ૧5 દિવસના મનોરંજનના કાર્નિવલને આખરી ઓપ આપશે.
અરશદ વારસી માટે વર્ષ ૨૦૨૬ ખરેખર ગોલ્ડન પિરિયડ સાબિત થઈ રહ્યો છે કારણ કે આ ત્રણ પ્રોજેક્ટ્સ ઉપરાંત તેમની પાસે વધુ બે મોટા ધડાકા તૈયાર છે. આ ચોમાસામાં તેઓ પોતાની કરિયરમાં પહેલીવાર "જીવન ભીમા યોજના" નામની ડાર્ક કોમેડી થ્રિલરમાં ડબલ રોલ કરતા જોવા મળશે. એટલું જ નહીં, વર્ષના અંતે એટલે કે ૨૪ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ કિંગ ખાન શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ એક્શન ફિલ્મ "કિંગ" માં પણ અરશદ વારસી એક પાવરફુલ પાત્ર ભજવતા નજરે પડશે. આ જોતાં કહી શકાય કે આગામી દિવસોમાં બોલિવૂડ બોક્સ ઓફિસ પર માત્ર અને માત્ર અરશદ વારસીની જ 'ધમાલ' જોવા મળવાની છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
