News of Monday, 10th August 2026
જ્યારે મનમોહન દેસાઈ કાદર ખાનના ડાયલોગ સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠ્યા: ઘરમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ TV અને હાથમાંથી સોનાનું બ્રેસલેટ આપી દીધું ભેટમાં
'રોટી' ફિલ્મના ક્લાઇમેક્સથી પ્રભાવિત થઈને દિગ્દર્શકે રાતોરાત વધારી દીધી હતી ફી; ૨૧ હજાર લેતા કાદર ખાનને સીધા ૧.૨૧ લાખ રૂપિયા આપવાની કરી હતી જાહેરાત

મુંબઈ: તા.૧૦: બોલિવૂડના સ્વર્ગસ્થ અભિનેતા અને પ્રખ્યાત સંવાદ લેખક કાદર ખાને પોતાની કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય અને યાદગાર ડાયલોગ્સ આપ્યા છે. તેમની ઉત્કૃષ્ટ કોમિક ટાઇમિંગ અને દમદાર સંવાદ અદાયગી માટે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે વ્યવસાયે પ્રોફેસર રહેલા કાદર ખાન સિનેમા જગતમાં એક આકસ્મિક વળાંક બાદ સંવાદ લેખક તરીકે પ્રવેશ્યા હતા. કારકિર્દીના શરૂઆતના તબક્કામાં જ તેમણે પોતાની અદ્ભુત લેખન શૈલીથી હિન્દી સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક મનમોહન દેસાઈને એવા પ્રભાવિત કર્યા હતા કે મનમોહન દેસાઈએ પોતાના ઘરનું ટીવી અને હાથનું સોનાનું બ્રેસલેટ તેમને ભેટમાં આપી દીધું હતું.
વર્ષો પહેલાં આપેલા એક ઈન્ટરવ્યુમાં કાદર ખાને મનમોહન દેસાઈ સાથેની પ્રથમ મુલાકાતનો રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. એ સમયે મનમોહન દેસાઈ ફિલ્મ ઉદ્યોગના તત્કાલીન ડાયલોગ રાઈટર્સથી ખૂબ નારાજ હતા. તેમનું માનવું હતું કે લેખકો માત્ર દોહા કે કહેવતો જ લખે છે, જ્યારે તેમને એવા પાવરફુલ સંવાદો જોઈતા હતા જે સિનેમાઘરોમાં સીટીઓ અને વાહવાહી મેળવી શકે. મનમોહન દેસાઈએ કાદર ખાનને સીધો પડકાર ફેંકતા કહ્યું હતું કે, "જો તમે એવા સંવાદો લખી આપો તો હું તમને ગણપતિની જેમ મારા માથા પર બેસાડીને આખા પડોશમાં નાચીશ."
કાદર ખાને આ પડકાર ઉપાડી લીધો અને તેમને ૧૯૭૪માં આવેલી હિટ ફિલ્મ 'રોટી'નો ક્લાઇમેક્સ લખવાનું કામ સોંપવામાં આવ્યું. કાદર ખાને આખી રાત જાગીને ક્લાઇમેક્સ તૈયાર કર્યો અને બીજા દિવસે મનમોહન દેસાઈના ઘરે પહોંચ્યા, જ્યાં તેઓ બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. જ્યારે કાદર ખાને સંવાદો સંભળાવવાનું શરૂ કર્યું ત્યારે મનમોહન દેસાઈ મંત્રમુગ્ધ થઈ ગયા. તેઓ વારંવાર ડાયલોગ્સ સાંભળતા રહ્યા અને ખુશીથી કૂદવા લાગ્યા. એટલું જ નહીં, ઉત્સાહમાં આવીને તેઓ ઘરની અંદર ગયા અને પોતાનું તોશિબા કંપનીનું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી બહાર લાવીને કાદર ખાનને ઈનામ તરીકે આપી દીધું. સાથે જ પોતાના હાથમાંથી સોનાનું બ્રેસલેટ ઉતારીને કાદર ખાનના કાંડા પર બાંધી દીધું.
આ ઐતિહાસિક મુલાકાતે કાદર ખાનનું ભાગ્ય જ બદલી નાખ્યું. મનમોહન દેસાઈએ જ્યારે તેમની ફી વિશે પૂછ્યું ત્યારે કાદર ખાને જણાવ્યું કે તેમને અગાઉની ફિલ્મ માટે ૨૧,૦૦૦ રૂપિયા મળ્યા હતા. આ સાંભળીને દેસાઈએ તરત જ કહ્યું, "તમે મનમોહન દેસાઈના લેખક છો, ૨૧ હજારમાં કામ ન કરાય! આજથી તમારી ફી ૧,૨૧,૦૦૦ રૂપિયા છે." આમ, મનમોહન દેસાઈએ કાદર ખાનને રાતોરાત લાખો રૂપિયા કમાનારા લેખકોની શ્રેણીમાં મૂકી દીધા હતા. ત્યારબાદ કાદર ખાને 'અમર અકબર એન્થોની', 'મુકદ્દર કા સિકંદર' અને 'અગ્નિપથ' જેવી કાલજયી ફિલ્મોની વાર્તા અને સંવાદો લખીને ભારતીય સિનેમામાં નવો ઈતિહાસ રચ્યો હતો.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
