<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

વિક્રાંત મેસી ‘વ્‍હાઇટ'માં શ્રી શ્રી રવિશંકરની ભૂમિકા ભજવશે

સ્‍ક્રિપ્‍ટ વાંચ્‍યા બાદ તે ખાસ કરીને લેટિન અમેરિકામાં રવિશંકરના પ્રભાવથી પ્રભાવિત થયો હતો

બેંગલુરુ,તા.૨૦: વિક્રાંત મેસીએ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાની આગામી ફિલ્‍મ ‘વ્‍હાઇટ' વિશે વાત કરી હતી. શ્રી શ્રી રવિશંકરના જીવન પર આધારિત આ ફિલ્‍મ માટે તેણે રવિશંકરના જીવનના એક એવા અધ્‍યાય વિશે જાણ્‍યું, જેના વિશે તે અગાઉ અજાણ હતો. ગુરુદેવને મળવાનો પોતાનો અનુભવ અને આ કથા સાથે જોડાયા બાદ પડેલી અસર વિશે પણ તેણે વાત કરી.

વિક્રાંતના જણાવ્‍યા અનુસાર, ફિલ્‍મના નિર્માતા મહાવીર જૈને ફિલ્‍મ હજુ વિકાસના તબક્કામાં હતી ત્‍યારે તેને આ પ્રોજેક્‍ટ સાથે પરિચિત કરાવ્‍યો હતો. સ્‍ક્રિપ્‍ટ વાંચ્‍યા બાદ તે ખાસ કરીને લેટિન અમેરિકામાં રવિશંકરના પ્રભાવથી પ્રભાવિત થયો હતો.

વિક્રાંતે જણાવ્‍યું કે તે અગાઉ ગુરુદેવના જીવનના આ પાસા વિશે જાણતો નહોતો. બેંગલુરુના એક આધ્‍યાત્‍મિક ગુરુ અને પરોપકારી વ્‍યક્‍તિએ આંતરરાષ્ટ્રીય શાંતિ પ્રક્રિયામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી તે જાણીને તેને આヘર્ય થયું હતું.

ફિલ્‍મનું શૂટિગ શરૂ થાય તે પહેલાં વિક્રાંત શ્રી શ્રી રવિશંકર સાથે થોડો સમય વિતાવવા માંગતો હતો. તેમની સાથે મુલાકાત બાદ તેને ગુરુદેવને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી અને પડદા પર તેમનું પાત્ર ભજવવાની તક મળવા બદલ તે પોતાને ભાગ્‍યશાળી માનવા લાગ્‍યો.

‘વ્‍હાઇટ'ની વાર્તા કોલંબિયાના ૫૨ વર્ષ લાંબા ગૃહયુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ સંઘર્ષમાં ૨.૫ લાખથી વધુ લોકોનાં મોત થયાં હતાં અને ૬.૫ લાખથી વધુ લોકો વિસ્‍થાપિત થયાં હતાં.

વિક્રાંતે જણાવ્‍યું કે આ સંઘર્ષથી વ્‍યથિત થઈને ગુરુદેવે શાંતિ પ્રક્રિયામાં મધ્‍યસ્‍થી કરવાની ઓફર કરી હતી. તેમના પ્રયાસોથી આશરે દોઢ વર્ષમાં શાંતિ પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ અને અંતે ૨૦૧૭માં કોલંબિયા સરકાર સાથે ઔપચારિક શાંતિ કરાર થયો.

વિક્રાંત મેસીએ જણાવ્‍યું કે ‘વ્‍હાઇટ'નું શૂટિગ અને નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્‍મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની અપેક્ષા છે.

(4:13 PM IST)